ચૂંટણી ખર્ચની દેખરેખ માટે નોડલ એક્ષપેન્ડીચર અને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને વ્યારા ખાતે બીજી તાલીમ યોજાઈ
ચૂંટણી ખર્ચની તાલીમ દરમિયાન કાયદાકિય સમજ આપી ખર્ચ સબંધી તમામ ટીમો સુસજ્જ કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૦૨- લોકસભા સામાન્ય ચૂંટણીઃ૨૦૨૪ અંતર્ગત રાજકીય પક્ષો તેમજ ઉમેદવારો દ્વારા ચૂંટણી દરમિયાન કરવામાં આવનાર તમામ ખર્ચ અંગે નોડલ ઓફિસર એક્ષપેન્ડીચર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે ચૂંટણી ખર્ચ સબંધી તમામ ટીમોને સુચારૂ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આજરોજ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ માટે નિયુક્ત કરાયેલી તમામ ટીમોની બીજી તાલીમ જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી.
આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન મતદારોને કોઈપણ જાતના પ્રલોભન ન અપાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. ન્યાયી અને મુક્ત વાતાવરણમાં ચૂંટણી પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે. નોડલ ઓફિસર ખર્ચ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહે તાલીમ દરમિયાન જણાવ્યું હતું કે રાજકીય પક્ષો અથવા કોઈ ઉમેદવાર મતદારોને લલચાવવાનો પ્રયાસ કરે તેમજ પ્રચાર દરમિયાન કરવામાં આવતો તમામ ખર્ચ વિવિધ ટીમો દ્વારા નોંધવામાં આવતો હોય છે. ત્યારે સાચો હિસાબ રાખવો અત્યંત જરૂરી છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને રૂા.૯૫ લાખના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.જેથી રેલીમાં ઉપયોગમાં લેવાતા તમામ વાહનો,મંડપ,ખુરશીઓ,કુલ બુકે,હાર,ભોજન,ચા-નાસ્તો,વિડિયોગ્રાફી,ફોટોગ્રાફી વિગેરે તમામ ખર્ચના ભાવો નક્કી કરવામાં આવ્યા છે. વધુમાં ચુનાવ રેલી,સભા વિગરેમાં થનાર ખર્ચ અંગે Sec 77 હેઠળ ચૂંટણી ખર્ચનો હિસાબ, Sec 78 હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારી પાસે હિસાબ રજુ કરવાનો રહે છે. ખર્ચના બે પ્રકાર છે. કાયદેસર ખર્ચ અને ગેરકાયદેસર ખર્ચ આ બંને પ્રકારના ખર્ચ ચૂંટણી દરમિયાન થાય તો કેવી રીતે તેની નોંધણી કરવી અને ઉમેદવારની ખર્ચ મર્યાદા કરતા વધે નહીં તે જોવાનું રહેશે. જ્યાં રેલી યોજાવાની હોય ત્યાં અગાઉથી ટીમો પહોંચી જશે. ટીમ લીડરે આયોજકો પાસે જઈ સૌપ્રથમ રેલીની પરવાનગી ચકાસણી કરવાની રહેશે. આચાર સંહિતાનો ક્યાંય ભંગ થાય છે કે નહીં તે ચકાસણી કરવાની રહેશે. રેલીની સંપૂર્ણ વિડિયોગ્રાફી કરવામાં આવશે ત્યારાબાદ વિડિયો વ્યુઈંગ ટીમ ઝીણવટથી વિડિયો નિહાળશે અને ખર્ચની વિગતો મેળવણું કરશે.
MCMC, VST,FST વિગેરે તમામ ટીમોએ ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ ખર્ચ અંગેના રીપોર્ટ આપવાના રહેશે. બંને વિધાનસભાની ટીમો સહિત ૨૩-બારડોલી સંસદિય વિસ્તારની ટીમો પરામર્શ થી સાચો હિસાબ મેળવવાની કામગીરી કરશે.
ખર્ચની આ તાલીમમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી નરવડે, આસીસ્ટન્ટ ખર્ચ ઓબ્ઝર્વરશ્રી બાબુભાઈ પરમાર,અધિક જિલ્લા તિજોરી અધિકારીશ્રી એસ.આર.પટેલ,હિસાબી અધિકારી પ્રાયોજના કચેરી હેતલ પટેલ સહિત તમામ ટીમોના અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.