ચૂંટણી સંદર્ભે સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ અને વિશ્રામગૃહોના ઉપયોગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં મુકાઈ છે. ત્યારે ચૂંટણી દરમિયાન ચૂંટણીલક્ષી કામગીરી માટે સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ અને વિશ્રામગૃહોના ઉપયોગ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તાપી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામા મુજબ, વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગનો સત્તા પક્ષના સભ્યો કે ઉમેદવારો એક હથ્થુ અધિકારો ભોગવશે નહી અને આવા રહેણાંકનો ઉપયોગ બીજા પક્ષના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેશે. પરંતુ કોઈપણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંક (તેની સાથે જોડાયેલ આંગણુ-વરંડા સહિત) નો ઉપયોગ પ્રચાર, કચેરી કે અન્ય ચુંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહી. સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વિગેરેમાં રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગ પણ યોજી શકાશે નહી.
ચુંટણી પ્રચારમાં આવેલ જે મહાનુભાવોને સરકારી વિશ્રામ ગૃહ-અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લાવતા-લઈ જતાં વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકાશે. જો તેઓ આ માટે એક કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકાશે નહી.
એક જ વ્યકિતને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહી તેમજ ચુંટણી પ્રચાર માટે આવતા કોઈ પણ મહાનુભાવો મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમનો ઉપયોગ કરી શકશે નહી. આ હુકમ જાહેરનામાની તારીખથી તા.૧૧/૦૫/૨૦૨૪ સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ સજાને પાત્ર ગણાશે.