ઓલપાડનાં વેલુક ગામનાં વતની ભદ્રેશ પટેલે જન્મદિવસ પ્રસંગે અનોખી રીતે પોતાની માતૃશાળાનું ઋણ અદા કર્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શાળા વ્યક્તિનું જીવન ઘડતર કરે છે. શાળાનું ઋણ ચૂકવવું એ દરેક વિદ્યાર્થિની ફરજ છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયા બાદ શાળાને ભૂલી જતાં હોય છે, પરંતુ ઓલપાડ તાલુકાનાં નાનકડા વેલુક ગામની પ્રાથમિક શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ભદ્રેશ ચંદુભાઈ પટેલે પોતાનો જન્મદિવસ ખૂબજ નોખી રીતે ઉજવી સમાજમાં નોંધપાત્ર ઉદાહરણ પ્રસ્થાપિત કરી શાળાનું ઋણ અદા કરવાનો નમ્ર અને સરાહનીય પ્રયાસ કરેલ છે.
જન્મદિવસ પ્રસંગે ભદ્રેશ પટેલે પોતાની માતૃશાળા વેલુક પ્રાથમિક શાળા સહિત આજુબાજુની કુદિયાણા, દાંડી, લવાછાચોર્યાસી, ધનશેર, તેના, ડભારી અને તેનાનીરાંગ પ્રાથમિક શાળાનાં બાળકોની એક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી હતી. તમામ લીગ મેચ બાદ ટુર્નામેન્ટની ફાઈનલ તેનાનીરાંગ અને લવાછાચોર્યાસી ઈલેવન વચ્ચે રમાઇ હતી, જેમાં લવાછાચોર્યાસી ઈલેવન ચેમ્પિયન બની હતી. સદર ટુર્નામેન્ટમાં ટ્રોફીઓ તથા ભોજન સહિતનો તમામ ખર્ચ તેમણે પૂરો પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉગત રોડ, સુરત ખાતે અક્ષર સ્પોર્ટસ નામક દુકાન ધરાવનાર ભદ્રેશ પટેલ ખૂબ જ કર્મશીલ અને ધર્મશીલ સ્વભાવનાં છે. તેઓ પોતાનાં ધંધાને આર્થિક ઉપાર્જનનું સાધન નહીં પરંતુ સેવાનું કાર્ય સમજી સંતોષ માને છે. નહીં નફો નહીં નુકસાનનાં ધોરણે કામ કરનાર આ વ્યક્તિ સામાજિક કાર્યોમાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે.
પ્રારંભે વેલુક ગામનાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, આસપાસની શાળાઓનાં મુખ્યશિક્ષકો ઉપરાંત સ્પર્ધક ટીમોની ઉપસ્થિતિમાં સ્થાનિક શાળાનાં બાળકોએ કેક કાપી ભદ્રેશ પટેલનાં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. કુદિયાણાનાં ભૂતપૂર્વ સી.આર.સી. કો-ઓર્ડિનેટર અને લવાછાચોર્યાસી પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક કનૈયાલાલ પટેલે ઉપસ્થિત સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો જ્યારે વેલુક પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક મયૂર પરમારે ટુર્નામેન્ટનાં આયોજીક ભદ્રેશ પટેલ સહિત સહભાગી પ્રાથમિક શાળાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.