દક્ષિણ વન વિભાગનાં શામગહાન રેંજનાં તોરણીયા ડુંગરનાં જંગલ વિસ્તારમાં દવ લાગતા વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દવને કાબુમાં લીધો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. 18 ડાંગ જિલ્લામાં પાનખરનાં શરૂઆતની સાથે જંગલોમાં આકસ્મિક દવ લાગવાની ઘટના જોવા મળે છે.આ દવ લાગવાની ઘટના મોટે ભાગે માર્ચ મહિનાથી મે મહિના સુધી જોવા મળે છે.આ દવ માટે મોટાભાગે સ્થાનિક લોકો જ જવાબદાર હોય છે.ડાંગ જિલ્લાનાં જંગલોમાં સ્થાનિકો દ્વારા જ અમુક વખતે જાણી જોઈને ક્યાંક આગ ચાંપી દેવામાં આવે છે.અને દોષનો ટોપલો વન વિભાગનાં કર્મચારીઓ પર ઢોળવામાં આવે છે.ગતરોજ ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ શામગહાન રેંજનાં માનમોડી-બોન્ડારમાળ વિસ્તારનાં 319 કમ્પાર્ટમેન્ટનાં તોરણીયા ડુંગર જંગલ વિસ્તારમાં પણ અચાનક દવ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જોકે આ દવ લાગ્યાની જાણ શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીને થતા તેઓ તથા તેઓની વનકર્મીઓની ટીમ તુરંત જ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી.અહી શામગહાન આર.એફ.ઓ ચિરાગભાઈ માછી તથા વનકર્મીઓની ટીમે મોડી રાત્રી સુધી ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલ તોરણીયા ડુંગરનાં જંગલ વિસ્તારમાં ખડેપગે તૈનાત રહી દવને કાબુમાં લેવા માટે સફળતા મેળવી હતી.ડાંગ દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછી સહિત ફોરેસ્ટર, બીટગાર્ડ,અને દવગાર્ડ,તથા રોજમદારોએ રાત્રીનાં અરસામાં જીવને જોખમમાં મૂકી લાગેલ દવને સંપૂર્ણ રીતે કાબુમાં લેતા સૌ કોઈએ હાશકારો મેળવ્યો હતો.આ બાબતે ડાંગ જિલ્લાનાં શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીએ જણાવ્યુ હતુ કે શામગહાન રેંજનાં માનમોડી-બોન્ડારમાળ વિસ્તારનાં કમ્પાર્ટમેન્ટ.ન.319માં રવિવારે મોડી સાંજે દવ લાગ્યો હતો.જેની જાણ થતાની સાથે જ અમો તુરંત જ ઘટના સ્થળ પર દોડી ગયા હતા.મોડી રાત્રીનાં 1 વાગ્યા સુધીમાં દુર્ગમ અને ડુંગરાળ વિસ્તારમાં અમારી વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ દવને કાબુમાં લઈ ઓલવી દેવાયો હતો.વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે દવ લાગે તો વનવિભાગ જ નહિ પરંતુ સ્થાનિકોએ પણ સતર્ક બની વન વિભાગને સહકાર આપી જંગલોનું રક્ષણ અને જતન કરવુ જોઈએ..