તાપી કલેકટરશ્રી હાલાણીની સંવેદનશીલતા : – શ્રમિકોને મહેનતાણું નહિ ચૂકવાયું હોવાની ફરિયાદમાં જાતતપાસ કરી શ્રમિકોની વ્હારે આવ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૧૩: “લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે સોનગઢ તાલુકાની જે.કે.પેપર મીલના શ્રમિકોને ઇજારદાર દ્વારા સમયસર મહેનતાણું નહિ ચૂકવાતું હોવાની ફરિયાદને પગલે, તાપી જિલ્લાના સંવેદનશીલ કલેકટર શ્રી આર.જે.હાલાણીએ તેમની ટિમ સાથે જે.કે.પેપર મિલની લેબર કોલોનીની જાત મુલાકાત લઈ, શ્રમિકોના હાલ હવાલની પૃચ્છા કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જે.કે.પેપર મિલના ઇજારદાર દ્વારા શ્રમિકોને સમયસર પગારના નાણાં નહિ ચૂકવાયા હોવાની ફરિયાદ જિલ્લા કક્ષાના “કોરોના કન્ટ્રોલ રૂમ”ને મળી હતી, આ ફરિયાદ સોનગઢ તાલુકા કન્ટ્રોલ રૂમને તબદીલ થતા, મામલતદાર શ્રી ડી.કે.વસાવા તથા તેમની ટીમે શ્રમ વિભાગ સાથે આ બાબતે તપાસ હાથ ધરી હતી.
જેને પગલે તા.૯ અને ૧૦ એપ્રિલે સંબંધિત ઇજારદાર દ્વારા જે શ્રમિકોના બેંક એકાઉન્ટ લિંક કરાયા છે, તેમને તેમના મહેનતાણાનું ચુકવણું કરવામાં આવ્યું છે, જ્યારે જે શ્રમિકોના બેંક એકાઉન્ટ લિંક થયા નથી, તેમને ચેકથી ચુકવણું કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સબબ, જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીએ આ બાબતે તેમની ટિમ સાથે લેબર કોલોનીની રૂબરૂ મુલાકાત લઈ, ત્યાં ઉપસ્થિત શ્રમિકો સર્વશ્રી કૈલાશચંદ્ર નાયક, મુખ્તાર અલી, એમ.જે.અખ્તર વિગેરેને આ બાબતની પૃચ્છા કરતા, તેમના દ્વારા માહે ફેબ્રુઆરી સુધીનું મહેનતાણું તેમને ચૂકવાઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે માહે માર્ચ માસના મહેનતાણા પૈકી ઇજારદારો દ્વારા તેમને સાપ્તાહિક ખર્ચી આપવા સાથે જરૂરી રાશનની વ્યવસ્થાઓ પણ કરી આપવામાં આવી હોવાની કેફિયત રજૂ કરી હતી.
આ બાબતે કલેક્ટરશ્રીની દરમિયાનગીરીથી શ્રમિકોને તેમનું મહેનતાણું મળી જવા સાથે, તેમની પાસે પૂરતું રાશન હોવાનું પણ, શ્રમિકોએ રૂબરૂમાં આ અધિકારીઓને જણાવ્યું હતું. આમ, ઉચ્ચાધિકારીઓની સંવેદનશીલતા ને કારણે શ્રમિકોના પ્રશ્ને સમાધાન થવા પામ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જે.કે.પેપર મિલમાં હાલે જુદા જુદા ૧૬ ઇજારદારોના શ્રમિકો કામ કરી રહ્યા છે. જે પૈકી લેબર કોલોની ખાતે પાંચ ઇજારદારોના શ્રમિકો વસવાટ કરે છે. આ શ્રમિકો મુકારદમ મારફત અહીં કામ કરે છે. આ મુકારદમો દ્વારા આ શ્રમિકોને કામ શરૂ કરતાં અગાઉ જ ૫૦ ટકા જેટલી રકમ એડવાન્સમાં ચૂકવી દેવામાં આવે છે. સાથે શ્રમિકોના ભોજન સહિત સાપ્તાહિક ખર્ચીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. ત્યાર બાદ બાકી રહેતી રકમ, કામ પૂર્ણ થયે શ્રમિકો જ્યારે તેમના ઘરે જતા હોય ત્યારે ચુકવવામાં આવતી હોય છે.