રિધમ હોસ્પીટલની પાછળ આવેલ ડ્રીમ સીટી સોસાયટીનાં સંચાલકે નોટરીવાળુ ખોટું સંમતિપત્રક રજૂ કરી ખેતી લાયક જમીન રહેણાંક હેતુ (એન.એ.)માં ફેરવી બાંધકામનો પ્લાન મંજુર કરાવતા ફરિયાદ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાની રિધમ હોસ્પીટલનની પાછળ, મોજે તાડકુવા, તા.વ્યારામાં આવેલ બ્લોક નં.૭૧/૨ વાળી જમીનમાં આવેલ ડ્રીમ સીટી સોસાયટીનાં માલિકે બ્લોક નં.૭૨ વાળી ખુશ્બુ નગર સોસાયટીમાંથી ડ્રીમ સીટી સોસાયટીમાં અવર-જવર કરવાનાં રસ્તા માટે જે લોકો બ્લોક નં.૭૨વાળી ખુશ્બુ નગર સોસાયટીનાં પ્લોટ ધારકો નથી તેમની પાસે નોટરીવાળુ ખોટું સંમતિ પત્રક બનાવી મામલતદાર કચેરી, વ્યારામાં રજુ કરતાં તા.૨૨/૧૧/૨૦૧૩નાં રોજ મામલતદાર,વ્યારાએ સંમતિ પત્રક આપનાર પ્લોટ ધારકોના નામો બ્લોક નં.૭૨ના હાલના ૭/૧૨માં ચાલી આવતા ન હોય રસ્તા અંગેની નોંધ નં.૨૩૯૬ રદ કરી હતી. ત્યારબાદ નવા મામલતદારએ આજ નોટરી વાળા ખોટા સંમતિ પત્રક આધારે સરકારી મેળાપીપણામાં નોંધ નં.૨૫૪૬ મંજુર કરી હતી. અને આ ખોટી રીતે મંજુર થયેલ નોંધ નં.૨૫૪૬ને આધારે ડ્રીમ સીટી સોસાયટીનાં સંચાલકે ખેતી લાયક જમીનની રહેણાંકના હેતુની (એન.એ.)ની પરવાનગી મેળવી હતી અને તેને આધારે નગર નિયોજકની કચેરી, વ્યારામાં બાંધકામનો પ્લાન પણ મંજુર કરાવ્યો હતો. આ પ્રમાણે ખોટી રીતે સરકારી મેળાપીપણામાં રહેણાંકના હેતુની પરવાનગી તેમજ બાંધકામની મંજુરી મેળવતા ખુશ્બુ નગરનાં પ્લોટ ધારક શ્રી અજય રાજપુતે કલેકટરશ્રી, તાપી અને નગર નિયોજકશ્રી, વ્યારાને તાત્કાલિક તપાસ કરી રહેણાંકના હેતુની પરવાનગી અને બાંધકામનો પ્લાન નામંજુર કરવા ફરિયાદ કરી છે. તેમજ નોટરી રૂબરૂ ખોટું સંમતિ પત્રક બનાવતા ફોજદારી ગુનો બનતો હોય કાકરાપાર પોલીસ સ્ટેશને ફરિયાદ પણ આપવામા આવી છે.