સોનગઢ નગરના ૮૬ લાભાર્થીઓને ઘરે જઈને તંત્રે અનાજની કીટ આપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૧૧: સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા “લોકડાઉન” ની સ્થિતિમાં પ્રજાજનોને વિનામૂલ્યે અનાજ આપવાના લેવાયેલા નિર્ણય બાદ, જિલ્લા પ્રશાસને જરૂરિયાતમંદ લાભાર્થીઓને ઘરે ઘર જઈને અનાજ આપવાનું સરાહનીય કાર્ય કર્યું છે.
તાપી જિલ્લા કલેકટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન અનુસાર જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલની રાહબરી હેઠળ જિલ્લાની સસ્તા અનાજની દુકાનો મારફત જુદી જુદી કેટેગરીના લાભાર્થીઓને નિયમોનુસાર વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સોનગઢ નગર પાલિક વિસ્તારમાં પણ, ૮૬ જેટલા રેશન કાર્ડ વિનાના લાભાર્થીઓને “અન્નબ્રહ્મ યીજના” હેઠળ અનાજની કીટ આપવામાં આવી છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર પૂર્વી પટેલના જણાવ્યા અનુસાર મામલતદાર શ્રી ડી.કે.વસાવા તથા તેમની ટીમના સહયોગથી નગરના આ ૮૬ લાભાર્થીઓને ઘરે ઘરે જઈને આ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
–