ઓલપાડની તેનાનીરાંગ પ્રાથમિક શાળામાં ઉમંગ એકટીવિટી સેન્ટરનાં ઉપક્રમે લાઇફ સ્કીલ એન્યુઅલ પ્રોગ્રામ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : L&T કંપનીનાં CSR ડિપાર્ટમેન્ટ હજીરાનાં સૌજન્યથી ચાલતાં ભારત ક઼ેર્સ NGO આયોજીત ઉમંગ એકટીવિટી સેન્ટર દ્વારા ઓલપાડ તાલુકાની તેનાનીરાંગ, ધનશેર, લવાછા, અંભેટા તેમજ સોંદામીઠા આશ્રમ શાળામાં બાળકોમાં રહેલ સુષુપ્તશકિત ઉજાગર થાય અને સર્જનાત્મક કૌશલ્યો વિકાસ પામે અને તે માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેવાં શુભ હેતુસર ભવ્યાતિભવ્ય લાઇફ સ્કીલ એન્યુઅલ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ વર્ષ દરમિયાન કરેલ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું પ્રદર્શન, ગેમ ઝોન, યોગા વિથ સ્ટોરી, વિવિધ વિષયો પર ડેબિટ ઉપરાંત ટેલેન્ટ શો, ફેશન શો, ડાન્સ જેવાં સ્પર્ધાત્મક સ્ટેજ પર્ફોમન્સનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું.
સદર કાર્યક્રમ પ્રસંગે L&T કંપનીનાં IT વિભાગનાં જનરલ મેનેજર GN બાબુ સર, CSR વિભાગનાં ડેપ્યુટી મેનેજર માનસી દેસાઈ, ભારત ક઼ેર્સ NGO નાં VP નિષિતા, માજી ધારાસભ્ય ધનસુખભાઇ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઇ પટેલ તેમજ અન્ય મહાનુભવોએ ખાસ ઉપસ્થિત રહીને બાળકોનાં સર્જનાત્મક કૌશલ્યને બિરદાવી તેમને આશીર્વચન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.