જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની મુખ્ય માંગ સાથે આજે સુરત જિલ્લાનાં કર્મચારીઓ ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત અન્ય પડતર માંગણીઓનાં સંતોષકારક ઉકેલનાં સંદર્ભે ગુજરાત રાજય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળે ઠરાવેલ તા.4/3/2024 સુધીમાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં તા.6/3/2024 નાં રોજ રાજ્યભરમાં પેનડાઉન સ્ટ્રાઈક યોજવાની ઘોષણા કરેલ હતી. જે સંદર્ભે આવતીકાલે રાજ્યભરનાં કર્મચારીઓની સમાંતર ઓનલાઇન કામગીરીથી અળગા રહેશે.
આ પેનડાઉન સ્ટ્રાઈક અંગે વધુ માહિતી આપતાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, સુરત અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, સુરત એકમનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે સદર આંદોલનાત્મક કાર્યક્રમને અસરકારક બનાવવા માટે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સાથે જોડાયેલાં તમામ મંડળો, મહામંડળો અને મહાસંઘોને જરૂરી માર્ગદર્શન સાથે સૂચિત કરવામાં આવેલ છે, જેને સુરત જિલ્લામાં પણ પ્રચંડ સમર્થન સાંપડી રહ્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે આવનારા સમયમાં સરકાર કર્મચારીઓનાં હિતમાં હકારાત્મક નિર્ણય નહિ લે તો આપણે આપણી લડત પૂરી તાકાતથી ચાલુ રાખીશું.