૨૦૨૩ બોર્ડ પરીક્ષામા સો ટકા પરિણામ લાવનાર શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની અધ્યક્ષતામા શિક્ષક સમારોહ કાર્યક્રમ યોજાયો
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૪: સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આહવા ખાતે, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં માર્ચ ૨૦૨૩ની બોર્ડની પરીક્ષામાં પોતાનાં વિષયમાં સો ટકા પરિણામ લાવનાર માધ્યમિક શાળાના વિષય શિક્ષક માટે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
ડાંગ જિલ્લાના કુલ ૧૬ શિક્ષકો દ્વારા કુલ ૨૩ વિષયોમાં સો ટકા પરિણામ મેળવાતા આ તમામ શિક્ષકોનુ સન્માન નાયબ દંડકશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમમાં શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજમાં સ્વભાવગત પરિવર્તન લાવનાર મુખ્ય પરિબળ છે. અહિં સૌ શિક્ષકોએ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી, ડાંગ જિલ્લાને પ્રથમ હરોળમા લાવી દીધો છે. સન્માનિત તમામ શિક્ષકોને શ્રી પટેલે અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી, વઘઇ ડાયટના પ્રાચાર્યશ્રી ડો.ભગુભાઇ રાઉત, શિક્ષણ કચેરીનો સ્ટાફ કેળવણી નિરીક્ષકો, પ્રાથમિક અને માધ્યમિકના શિક્ષકો, આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–