સમગ્ર શિક્ષા અભિયાનનાં સોશિયલ ઓડિટ અંગેની માર્ગદર્શન મિટીંગ સંપન્ન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત ખાતે સમગ્ર શિક્ષા અભિયાનનાં સોશિયલ ઓડિટ સંદર્ભે માર્ગદર્શન મિટીંગ યોજાવામાં આવી હતી. જેમાં જિલ્લાનાં તમામ બીઆરસી કો-ઓર્ડિનેટર્સ, સુરત કોર્પોરેશનનાં યુઆરસી કો-ઓર્ડિનેટર્સ, જિલ્લા ટીચર્સ ટ્રેનિંગ કો-ઓર્ડિનેટર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન આ સોશિયલ ઓડિટની નોડલ એજન્સીનાં પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત પ્રકાશભાઈ પરમાર દ્વારા સોશિયલ ઓડીટ શા માટે ? સોશિયલ ઓડિટ કઈ રીતે ? અને જિલ્લાની પસંદ થયેલી શાળાઓમાં સોશિયલ ઓડીટ સંદર્ભ કઈ પૂર્વ તૈયારી કરવી તથા આવનાર ઓડિટ ટીમમાં કોણ કોણ હશે અને કઈ રીતે તેઓ ઓડિટની પ્રક્રિયા કરશે તેની વિગતે જાણકારી આપવામાં આવી.
સુરત જિલ્લાની આ મિટિંગમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રતિનિધિ તરીકે રશ્મિકાંત પટેલ હાજર રહ્યાં હતાં. ઉપરાંત ડીઈઓ કચેરીનાં પ્રતિનિધિ તરીકે જે.પી. જોષી હાજર રહ્યાં હતાં. આ તકે શાળા કક્ષા સુધી પહોંચાડવાની ઓડિટ પ્રક્રિયા માટે જરૂરી સામગ્રીની વહેંચણી પણ કરવામાં આવી હતી.
આ સોશિયલ ઓડિટની જાણકારી પારદર્શક રીતે લોકો સુધી પહોંચાડવાની હોય ઓડિટની તારીખ અને સમય લખેલ પોસ્ટર્સ અને પેમ્પલેટ પણ શાળા દ્વારા વાલીઓ અને ગ્રામજનો સુધી પહોંચાડાશે.
ઓડિટમાં માત્ર આર્થિક હિસાબ કિતાબ નહીં પરંતુ સમગ્ર શિક્ષા અભિયાનનાં તમામ પ્રોજેક્ટ સંદર્ભે શાળાએ કેટલી પ્રગતિ સાધી છે તે રૂબરૂ મુલાકાત દ્વારા ડોક્યુમેન્ટેશન સાથે વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ સાધીને રજૂ કરાશે. ઓડિટ પ્રક્રિયા બાદ એનું તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ હિયરિંગ પણ થશે આ તમામ બાબતો અંગેની જાણકારી આજની આ માર્ગદર્શક મિટિંગમાં આપવામાં આવી. સોશિયલ ઓડિટ માટે નોડલ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાએ એક સોશિયલ ઓડિટ કો-ઓર્ડિનેટરની પણ નિમણૂક કરી છે જે જિલ્લાનાં તમામ તાલુકાઓની શાળામાં સ્થાનિક બીઆરસી સાથે મળી ઓડિટનું આયોજન અને સંકલન કરશે.
શાળા કક્ષાએ ઓડિટ ટીમમાં સ્થાનિક સી.આર.સી સાથે નોડલ એજન્સીના એક સભ્ય તથા સ્થાનિક કક્ષાએ રચેલ એસએએફટીના એક સભ્ય સાથે સ્થાનિક એસએમસીના સભ્ય અને ગ્રામપ્રતિનિધિ પણ જોડાશે. સોશિયલ ઓડીટ સંદર્ભે યોજાયેલ મિટિંગમાં અંતે જિલ્લા ટીચર્સ ટ્રેનિંગ કો-ઓર્ડિનેટર નારણભાઈ જાદવ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.