સુરતની આચાર્ય હેમચંદ્રસુરી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતાં વિવિધ લાભો પ્રતિ બાળકોમાં જાગૃતિ લાવવા અને તેમનામાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાનાં શુભ હેતુસર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત નાનીવેડ સ્થિત આચાર્ય હેમચંદ્રસુરી પ્રાથમિક શાળા ક્રમાંક- 187 માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાનાં આચાર્ય ભારતીબેન ગોહિલે બાળકોને ડો. સી.વી. રામનનાં જીવન ચરિત્રથી વાકેફ કર્યા હતાં. આ વર્ષનાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ થીમ ‘વિકસીત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી’ અંતર્ગત શાળાનાં બાળકોએ સાયન્સ ટીચર ક્રિષ્નાબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન સંબંધિત વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.