તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ
તમામ નોડેલ અધિકારીશ્રીઓને માઈક્રોપ્લાનિંગ બનાવી ચૂંટણી સંબંધિત પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯ આગામી ટુંક સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે ચૂંટણીના નોડલ અધિકારીશ્રીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તાપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા દરેક નોડલ ઓફિસરને સોંપવામાં આવેલ જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે માટે જરુરી સુચનો કરવામાં આવ્યા હતા. ચૂંટણી કામગીરીમાં રોકાયેલ તમામ સ્ટાફ કર્મચારીઓને તાલીમ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું.
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ની વિવિધ કામગીરીની ફરજો બજાવવા માટે તાપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ૨૨ જેટલાં નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવેલી છે. આ નોડલ ઓફિસરોને ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીમાં નિમાયેલા અધિકારીઓ, કર્મચારીઓને તાલીમ આપવી, ચૂંટણી માટે સ્ટાફ પુરો પાડવો, મેનપવાર મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, ચૂંટણી પંચની પ્રવર્તમાન સુચનાઓ અનુસાર કાયદો અને વ્યવસ્થાની તમામ પ્રકારની કામગીરી, મતદાન માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા, ચૂંટણી બાબતે જરૂરી મુજબના ફોર્મ, સ્ટેશનરી અન્ય સામગ્રી મેળવવી, સ્વીપની કામગીરી, MCMCની કામગીરી, આરોગ્યની કામગીરી, આદર્શ આચારસંહિતને લગતી સુચનાઓનું પાલન અને અમલીકરણ કરાવવુ, ચૂંટણી કામગીરીમાં જોડાનારા કર્મચારીઓ માટે કરવાની થતી વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદારો માટેની વ્યવસ્થા અંગે નિમાયેલ નોડલ અધિકારીશ્રીઓને તેઓને સોંપવામાં આવેલ કામગીરીની પુર્વ તૈયારીઓને ધ્યાને લઇ જરૂરી માર્ગદર્શન તેમજ સુચન સહિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી,અધિક નિવાસી કલેક્ટરશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સહિત વિવિદ સમિતીના નોડલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000