ઓલપાડની જીણોદ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશિષ્ટ ઉજવણી
કોઈપણ દેશની પ્રગતિ માટે સૌથી મહત્ત્વનો ફાળો વિજ્ઞાન જ આપે છે: કિરીટ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતાં વિવિધ લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને લોકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાનાં શુભ હેતુસર નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ તથા મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં ઉપક્રમે દર વર્ષે 28 ફેબ્રુઆરીનાં દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ઓલપાડ તાલુકાનું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જીણોદ પ્રાથમિક શાળામાં આજરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજયભાઈ પટેલ, ગામનાં માજી સરપંચ દિનેશભાઇ પટેલ, ગામનાં અગ્રણી કરસનભાઈ આહિર સહિત શિક્ષક સંઘનાં હોદ્દેદારો એવાં હર્ષદ ચૌહાણ, દેવાંગ્શુ પટેલ, કરંજ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં મુખ્ય શિક્ષકો, બાળકો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે વિજ્ઞાન સરળતાથી તેની શ્રેષ્ઠતાનો પરિચય આપે છે. કોઈપણ દેશની પ્રગતિ માટે સૌથી વધુ ફાળો વિજ્ઞાન જ આપે છે. તેમણે સી.વી. રામનનું ઉદાહરણ ટાંકીને ઉમેર્યુ હતું કે બાળકોમાં પ્રાથમિક કક્ષાએથી વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે આ પ્રકારનું વિશેષ આયોજન ભવિષ્યમાં ચોક્કસપણે ફળદાયી નીવડશે.
આ વર્ષનાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ થીમ ‘Indigenous Technologies for Viksit Bharat’ (વિકસીત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી) ને ધ્યાનમાં રાખી સ્થાનિક શાળાનાં ધોરણ 3 થી 8 નાં બાળકોએ સાયન્સ ટીચર ચિરાગ પટેલનાં માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન સંબંધિત વિવિધ ચાર્ટ, ચિત્ર, પ્રાયોગિક સાધનોનાં પ્રદર્શન સાથે અવનવા જીવંત પ્રોજેક્ટ રજૂ કર્યા હતાં. મુલાકાતી બાળકો, શિક્ષકો તથા ગ્રામજનો સ્વનિર્મિત પ્રોજેક્ટ નિહાળી અભિભૂત થયાં હતાં.
બાળકો તેમની આસપાસની સમસ્યાઓનાં ઉકેલ માટે તેમનાં નવા વિચારો અને નવીનતા શેર કરે છે તે હેતુસર વક્તૃત્વ સ્પર્ધા તેમજ વન મિનિટ કોમ્પીટીશનનું વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વિજેતા બાળકોને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતાં. અંતમાં શાળાનાં ઉપશિક્ષિકા આશાબેન ખોલીયાએ આભારવિધિ આટોપી હતી.