ડૉ. મતાઉદ્દીન ચિશ્તીની અધ્યક્ષતામા સાલૈયા ખાતે ભવ્ય ચિંતન પર્વનું આયોજન થયું

Contact News Publisher

ઘડતરનાં અભાવથી જીવન પડતર થઇ જાય છે : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :   તા. ૨૭ દક્ષિણ ગુજરાતનાં વિવિધ તાલુકાઓની મુલાકાતનાં પ્રથમ દિવસે સાલૈયા મુકામે ઘેર ઘેર ગાયો પાળો, ઘેર ઘેર વૃક્ષ વાવો, ઘેર ઘેર સંસ્કાર આપો, કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ અને માનવસેવાનાં ઘેર ઘેર સંસ્કાર આપો ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક પરંપરાગત મોટામિયાં માંગરોલની ગાદીનાં હાલનાં ગાદીપતિ સજ્જાદાનશીન આદરણીય હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબનાં સુપુત્ર – અનુગામી આદરણીય ડો.મતાઉદ્દીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ચિંતન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મૌન પાળીને કરવામાં આવી હતી. શાબ્દિક સ્વાગત રાયસીંગભાઈ ચૌધરીએ કર્યા બાદ સાલૈયાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યા હતાં. આમંત્રિત મહેમાનોનું પુષ્પથી સ્વાગત તથા ડો. મતાઉદ્દીન ચિશ્તીનું શાલ ઓઢાડી સન્માન કર્યા બાદ ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓને ડો. મતાઉદ્દીન ચિશ્તીનાં હસ્તે પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ગાદી સાથે 50 થી વધારે વર્ષથી સંકળાયેલા અનુયાયીઓનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડો. મતાઉદ્દીન ચિશ્તીએ પોતાની આગવી શૈલીમાં આદ્યાત્મિકતા તેમજ જીવન ઉપયોગી બાબતોમાં ચિંતન અને ગુણવત્તાસભર શિક્ષણ ઉપર ખાસ ભાર મૂક્યો હતો, તેઓએ બીજનું છોડ બનવાનાં ઉદાહરણ ટાંકીને ઉત્તરાધિકારી કેવા હોવો જોઈએ તેની ખૂબ સુંદર સમજ આપી હતી. તેઓએ જણાવેલ કે શિક્ષણ પણ એક સંસ્કાર છે, આપણે ભેગા મળીને કાર્ય કરવાનું છે. ઘેર ઘેર સંસ્કાર ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ચિંતન કરીશું. આપણે જીવનમાં યોગ્ય માણસ કઇ રીતે બની શકીએ એ બાબતે ચિંતન કરવું જરૂરી છે, જ્યાં ચિંતન – મનન હશે, ત્યાં વિચારોનું હનન થશે નહી, જીવનમાં માં-બાપનું કહ્યું કરવું જોઈએ, માં-બાપનું દિલ ના દુખાવો, જીવનમાં પોતાનાં મનમાંથી નકારાત્મકતા કાઢે તેનું નામ જ ચિંતન. આપણે પોતાપણાનો ભાવ છોડવા માટે પ્રયાસ નથી કરતાં જેથી આપણાપણાનો ભાવ સ્થાપિત થઇ શકતો નથી. તેમણે વિવિધ ઉદાહરણ અને કાવ્ય દ્વારા ખૂબ જ સુંદર સમજૂતી આપી જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી.
સદર ઉત્સવમાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે મુલાકાત અને કોમી એકતાનાં ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે યોજાયેલ ભક્તિફેરીમાં ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયાં હતાં. બીજા દિવસથી સુરત, માંડવી, સોનગઢ, વ્યારા, તાપી, મોટામિયાં માંગરોલ, તાપી જેવાં વિસ્તારમાં વ્યસન મુક્તિ સહિત ઘેર ઘેર સંસ્કાર આપોનો સંદેશ મુલાકાત દરમિયાન આપવામાં આવશે. કાર્યક્રમને સફ્ળ બનાવવા ચિશ્તીયા મંડળ સહિત સમસ્ત અનુયાયીગણે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ઈશ્વરભાઈ ચૌધરીએ કર્યુ હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other