6 માર્ચ : રાજ્યભરનાં કર્મચારીઓનું ઓનલાઇન કામગીરીનાં બહિષ્કાર સાથે શટડાઉન, પેનડાઉન, ચોકડાઉન
જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની મુખ્ય માંગ સાથે સરકારી કર્મચારીઓ આક્રમક મૂડમાં
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત અન્ય પડતર માંગણીઓનાં સંતોષકારક ઉકેલનાં સંદર્ભે ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે ગુજરાત રાજય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળનાં દરેક જિલ્લાનાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તા.12/2/2024 સુધીમાં પ્રશ્નોનો ઉકેલ ન મળતાં તા.14-15/2/2024 દરમિયાન કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. ત્યારબાદ તા.16/2/2024 નાં રોજ સમગ્ર રાજ્યનાં કર્મચારીઓએ કાળા વસ્ત્રો ધારણ કરી પોતાની ફરજ બજાવેલ તથા તા.23/2/2024 નાં રોજ સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે વિશાળ સંખ્યામાં ધરણાં કાર્યક્રમમાં જોડાઇને સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
સદર આંદોલનાત્મક કાર્યક્રમનાં પ્રત્યાઘાતરૂપે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજના સહિત અન્ય પડતર પ્રશ્નોનાં મુદ્દે સરકાર સાથે સમાધાન ન થતાં રાજ્યભરનાં કર્મચારીઓ હવે લડાયક મૂડમાં છે ત્યારે તા.4/3/2024 સુધીમાં પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો તા.6/3/2024 નાં રોજ રાજ્યભરમાં પેનડાઉન સ્ટ્રાઈક યોજવાની ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્રારા જાહેરાત કરવામાં આવી છે તે મુજબ બધાં જ સરકારી કર્મચારીઓ પોતાની કામગીરીથી અળગા રહેશે.
નિયત કાર્યક્રમનાં રાજ્યભરમાં અસરકારક આયોજન અર્થે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ સાથે જોડાયેલાં તમામ મંડળો, મહામંડળો અને મહાસંઘોનાં પ્રમુખ, મહામંત્રી તેમજ હોદેદારોને પ્રમુખ અનુક્રમે દિગ્વિજયસિંહ જાડેજા તથા સતિષભાઈ પટેલે એલાન જાહેર કરેલ છે. આ સાથે તેમનાં દ્રારા રાજ્ય સરકારને સમાધાન પૈકી બાકી રહેલાં પડતર પ્રશ્નોનો સત્વરે અમલ કરવા અંગે અપીલ કરવામાં આવેલ છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.