તાપી જિલ્લામાં બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરરીતિઓ અટકાવવા અંગેનું જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.26 આગામી સમય દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા SSC ધોરણ-૧૦ ની પરીક્ષા તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૨/૦૩/૨૦૨૪ અને ધોરણ-૧૨ HSC (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ અને ધોરણ-૧૨ HSC (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૨/૦૩/૨૦૨૪ દરમ્યાન તાપી જિલ્લાના વ્યારા ઝોન પરથી લેવાનાર છે.
જેથી તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ તાપી જિલ્લામાં તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ સુધી તાપી જિલ્લામા આવેલ પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે હથિયાર કે મોબાઇલ ફોન લઇ જવા પર કે પરીક્ષાના સમય દરમ્યાન તેના ઉપયોગ પર કે લાઉડ સ્પીકર વગાડવા પર તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેક્સ સેન્ટરો ચાલુ રાખવા ઉપર તેમજ પરીક્ષાર્થી, પરીક્ષા સાથે સંકળાયેલ શૈક્ષણિક તથા અન્ય સ્ટાફ તેમજ પરીક્ષા સંદર્ભે સોપવામાં આવેલ હોય તેવી કામગીરી સાથે સંકળાયેલ ફરજ પરના સ્ટાફ સિવાયની અનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરવામાં આવે છે.
આ સિવાય પરીક્ષા કેન્દ્રો ઉપર સુરક્ષા માટે ફરજ પરના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ કે નિયુકત અન્ય અધિકારીઓ ફરજના ભાગરૂપે હથિયાર લઈ જઈ શકશે. તેમજ ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની ગાઇડલાઇન મુજબ મોબાઈલ ફોન તેઓની પાસે રાખી શકશે. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.
0000000