જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓ સંદર્ભે ગાંધીનગર ખાતે શિક્ષકો સહિતનાં કર્મચારીઓનું ઘોડાપૂર ઉમટ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજયમાં જૂની પેન્શન યોજનાનું અમલીકરણ, ફિકસ પગારી યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવી તથા સરકાર સાથે થયેલ સમાધાન મુજબનાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અને વારંવારની રજૂઆતને અંતે કોઈ ઉકેલ ન મળતાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં આવેલ હતો. જે અંતર્ગત ગત 14 અને 15 ફેબ્રુઆરીનાં રોજ સમગ્ર રાજ્યમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આવેદનપત્રો આપ્યા બાદ 16 ફેબ્રુઆરીનાં રોજ રાજ્યમાં તમામ કર્મચારીઓએ ફરજ પર કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. આમ છતાં આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ હકારાત્મક કાર્યવાહી ન થતાં આજરોજ સત્યાગ્રહ છાવણી, સેક્ટર – 6 ગાંધીનગર ખાતે રાજ્યભરનાં કર્મચારીઓ દ્વારા વિશાળ ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસની ચારેબાજુથી કિલ્લેબંધી વચ્ચે ધરણાં પ્રદર્શનમાં જોડાયેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે આજે રાજ્યનાં દરેક જિલ્લામાંથી કર્મચારીઓ બેનર અને પ્લેકાર્ડ સાથે ગાંધીનગર ઉમટી પડેલ છે. સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતાં પોલીસનાં પણ ધાડેધાડા ઉતારવામાં આવેલ છે. આંદોલનને લઈ કર્મચારીઓ હવે આરપારનાં મૂડમાં આવી ગયાં છે. દરેક કર્મચારીઓએ સરકાર આપેલાં વચનો પૂરાં કરેનો સૂર આલાપ્યો છે જેની સરકાર ગંભીરતાપૂર્વક નોંધ લે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.16 સપ્ટેમ્બરનાં રોજ મંત્રીમંડળ સાથે બેઠક મળી હતી. તે સમયે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું જેની સરકાર તરફથી ખાતરી અપાઈ હતી તેનો અમલ આજદિન સુધી ન થતાં કર્મચારીઓએ સરકાર સામે પુન: આંદોલનનાં મંડાણ કર્યા છે. આ ધરણાં પ્રદર્શનને લઈ રાજ્યભરમાંથી સેંકડો કર્મચારીઓએ ગાંધીનગર ખાતે ઉમટી પડીને ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગને બુલંદ બનાવી હતી.
સદર કાર્યક્રમ નિમિત્તે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનાં હોદ્દેદારોએ શાંતિપૂર્ણ રીતે ધરપકડ વહોરી હતી. આ તકે આંદોલનકારી કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *