ડાંગ જિલ્લાનાં વઘઇ નગરમાં રખડતા ઢોરોને લઈને ગ્રામ પંચાયત એક્શનમાં આવી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાનાં વઘઈ નગરમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરોને કારણે અનેક અકસ્માત પણ સર્જાતા જોવા મળી રહ્યા છે. ત્યારે વઘઈ ગ્રામ પંચાયત દ્વારા જાહેર હિતમાં ઢોર માલિકોને પોતાના ઢોર પર અંકુશ રાખવા અંગે જણાવવામાં આવેલ છે.વઘઈ ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રના ગામોમાં જાહેર રસ્તાઓ ઉપર રખડતાં ઢોરોના ત્રાસથી રાહદારીઓને અવર જવરમાં તકલીફ થઈ રહી છે. વાહનોના અકસ્માતનો ભય પણ જોવા મળી રહ્યો છે.તેમજ પશુઓને પણ ઈજા થવાનો ભય જોવા મળી રહ્યો છે.ત્યારે આ રખડતા ઢોરોનાં માલિકોને ગ્રામ પંચાયત દ્વારા ખાસ સુચના આપવામાં આવેલ છે કે 3 દિવસમાં પોતાના ઢોરોને જાહેર રસ્તાઓ પરથી લઈ જવામાં આવે અને પોતાના ઘર કે ગોઠામાં પશુઓ બાંધી તેમની સંભાળ રાખવામાં આવે.તેમજ જો ઢોર માલિકો દ્વારા આ મામલે હકારાત્મક પ્રતિસાદ આપવામાં નહીં આવે તો આ ઢોરો બિનવારસી ગણી તેમને નવસારી ખાતે પાંજરાપોળમાં મુકવા માટે મોકલી દેવામાં આવશે.જેની તમામ જવાબદારી જે તે ઢોર માલિકની રહેશે.તેમજ ગ્રામ પંચાયતની સુચનાની અમલવારી કરવામાં જો ચુક થશે તો ગૃપ ગ્રામ પંચાયત વઘઈ અથવા જે તે કચેરી દ્રારા સરકારી નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે..