ડાંગ જિલ્લામા જ્ઞાનસેવા વિદ્યા સંકુલ-રંભાસ ખાતે પ્રાર્થના મંદિરનો ઉદ્દઘાટન સમારોહ યોજવામા આવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : તા: ૨૨: BAPS સ્વામીનારાયણ સંસ્થા પ્રેરિત જ્ઞાનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનસેવા વિદ્યા સંકુલ, રંભાસ દ્વારા ડાંગ જિલ્લાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે, અને બાળકોના જીવનમાં ઉચ્ચ મુલ્યો સ્થાપિત થાય, ભારતીય સંસ્કૃતિનું ગૌરવ સમજે અને જાળવે એવા શુભ હેતુથી છેલ્લાં ૧૨ વર્ષથી ડાંગ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યું છે.

અહિં શિક્ષણ કાર્યને વધુ વેગ મળે અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વાતાવરણ મળી રહે એવા આશયથી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણા, શ્રી નરેશભાઈ ખાંડવાલા પરિવારના મુખ્ય સૌજન્ય, તેમજ અન્ય દાતાશ્રીઓના સહયોગથી નુતન પ્રમુખસ્વામી વિદ્યામંદિર તથા મહંતસ્વામી પ્રાર્થના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો ઉદ્દઘાટન સમારોહ તા. ૧/૨/૨૦૨૪ના રોજ યોજવામા આવ્યો હતો.

ઉદ્દઘાટન સમારોહમાં BAPS સંસ્થાના વડીલ સંત પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીજી તથા સંકુલના નિર્માણમાં જેમનો સિંહ ફાળો રહ્યો છે, એવા મુંબઈ સ્થિત ખાંડવાલા પરિવારના શ્રી વિભાસભાઈ તથા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા નુતન ‘પ્રમુખસ્વામી વિદ્યામંદિર’ અને ‘મહંતસ્વામી પ્રાર્થના મંદિરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમા ઉપસ્થિત માનવંતા મહેમાનો તથા શ્રોતાઓને વિદ્યાર્થીઓએ ડાંગી નૃત્યથી સત્કાર્યા હતા. જ્ઞાનસેવા વિદ્યા સંકુલના સંચાલન કરતાં પૂજ્ય મંગલનયન સ્વામી દ્વારા સૌને સંસ્થાનો શાબ્દિક તથા વિડીયોના માધ્યમથી પરિચય કરાવવામાં આવ્યો હતો. સંકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીમિત્રોએ સંકુલ દ્વારા એમના જીવનમાં થયેલ પરિવર્તનના સ્વાનુભવ રજુ કર્યા હતા.

આ કાર્યક્રમના મુખ્ય વક્તા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા HEART OF EDUCATION વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતુ. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, માત્ર શિક્ષણ જ આપણને નહિ ઉગારે. પરંતુ હૃદયનું શિક્ષણ, સંસ્કાર સહીતનું શિક્ષણ જ આપણને ઉગારશે, એ વાત પર ભાર મૂકી પ્રમુખસ્વામીને યાદ કરતાં જણાવ્યું કે, પ્રમુખસ્વામી કહેતા કે સંસ્કાર વિનાનું શિક્ષણ ભક્ષણ કરશે, અને સંસ્કાર યુક્ત શિક્ષણ આપણી રક્ષા કરશે. તો આ સંસ્કારયુક્ત શિક્ષણ માટે જ BAPS સંસ્થાના સહયોગથી સમાજને સ્વસ્થ કરવા આવા સંકુલો સર્જાયા છે. તથા ખાંડવાલા પરિવારની ઉદાર ભાવનાની પણ સરાહના કરી, શિક્ષણ ક્ષેત્રે સહભાગી બની સમાજને વધુ સુદ્રઢ કરવા બદલ એમનો આભાર વ્યક્ત કર્યો હતો.

તદ્દઉપરાંત BAPS સંસ્થાના વરિષ્ઠ સંત એવા પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીના આશીર્વચનનો સૌને વિશેષ લાભ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશભાઈ ત્રિવેદીએ જ્ઞાનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ શિક્ષણ માટે કરાયેલ વ્યવસ્થાથી પ્રભાવિત થઈ, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકો અને વાલીમિત્રોને પ્રેરણા પુરી પાડી હતી.

આ પ્રસંગે વરિષ્ઠ સંત BAPS પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી, પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી, પૂજ્ય પુરસોત્તમ સ્વામી, દાતા શ્રી વિભાશભાઈ ખાંડવાલા, અતિથિ વિશેષ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળા ગાઇન, જિલ્લા સદસ્ય શ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશભાઇ ત્રિવેદી, BAPS સ્વામિનારાયણ સંસ્થા વિદ્યામંદિરના ટ્રસ્ટ્રી શ્રી કિરણભાઈ પીઠવા, સર્વે અગ્રણીઓ તેમજ દાતા સર્વશ્રી ડો. શ્રોફ, જીગ્નેશભાઈ દેસાઈ, ભરતભાઈ ઝવેરી, દેવુભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનો ૩૫૦૦ થી વધુ ભાવિકોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીમિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. પૂજ્ય પૂર્ણકામ સ્વામીએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other