બી.આર.સી. ભવન ઓલપાડ ખાતે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ તથા સાધન સહાય કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર શિક્ષા અંતર્ગત સુરત જિલ્લાનાં આઈ. ઇ. ડી. વિભાગ દ્રારા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ તથા સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલુકાનાં આઇ.ઇ.ડી. વિભાગનાં સ્પેશિયલ એજ્યુકેટર મિલન પટેલે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી સૌને આવકાર્યા હતાં. આ પ્રસંગે તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોને કુટુંબમાં અને સમાજમાં પોતાનાં અધિકારો મળી રહે અને તેમનું માન-સન્માન જળવાય એ આપણા સૌની ફરજ છે. તેમણે વિશ્વનાં વિવિધ દેશોનાં અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરેલ દિવ્યાંગ બાળકોનાં ઉદાહરણો ટાંકીને દિવ્યાંગ બાળકોને જરૂરી પ્રેમ અને હૂંફ પૂરી પાડવા અપીલ કરી હતી.
સદર કેમ્પમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાનાં એસેસમેન્ટ થયેલ દિવ્યાંગ બાળકોને વિનામૂલ્યે સાધન સહાય પૂરી પાડવામાં આવી હતી. જેનો લાભ ઓલપાડ અને ચોર્યાસી તાલુકાનાં કુલ 82 જેટલાં વિવિધ કેટેગરીનાં દિવ્યાંગ બાળકોએ લીધો હતો. જિલ્લા આઈ.ઇ.ડી. કો-ઓર્ડિનેટર હરેશ ગલસરનાં જણાવ્યા અનુસાર આ કેમ્પમાં ઉપસ્થિત લાભાર્થી બાળકોને કેલિપર્સ, વ્હીલચેર, સી.પી.કેર, કૃત્રિમ પગ, ટ્રાઇસિકલ, હીયરીંગ એઈડ, એમ.આર. કીટ જેવાં સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલીઓ અને બાળકોનાં ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો.
બાળકોનાં એસેસમેન્ટ અને સાધન વિતરણ માટે એલિમ્કો કંપનીનાં ડોક્ટરોની વિશેષ ટીમ ખડેપગે રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ઓલપાડ તાલુકાનાં સ્પેશિયલ એજ્યુકેટર બળવંત પટેલ, વિશિષ્ટ શિક્ષક નીતા પટેલ અને જીજ્ઞા પટેલ સહિત ચોર્યાસી તાલુકાનાં સ્પેશિયલ એજ્યુકેટર દિલીપ ખસીયા તથા વિશિષ્ટ શિક્ષક વિપુલ દેસાઈએ જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.