કોબા પ્રાથમિક શાળામાં ડેમોસ્ટ્રેશન થકી ફાયર સેફટી અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાનાં કોબા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ એક વિશેષ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બેઝીક ફાયર ફાયટીંગ તથા ફાયર એસ્ટીંગ્યુસર વિશે માહિતી આપવામાં આવી હતી. શાળાનાં આચાર્ય ડો. ધર્મેશ પટેલ તથા શિક્ષકો દ્વારા બાળકોને ફાયર બ્રિગેડનાં કાર્યો સહિત ફાયર સેફ્ટી બોટલનો ઉપયોગ કઈ રીતે કરવો એ અંગે વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી.
આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એસ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો સાથે જ કઈ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે બાળકોએ માહિતગાર થઈ પોતપોતાની જાતે તેનો ડેમો રજૂ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ગામનાં ઉત્સાહી સરપંચ દિલીપ પટેલે સૌ બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરી હતી. તેમણે ફાયર સેફટીની તાલીમ મેળવવા જાહેર જનતાને અનુરોધ કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.