તાપી જિલ્લાના શેલ્ટર હોમમાં આશ્રય મેળવનારા લાભાર્થીઓને “ટેક હોમ રેશન”ની કીટ અર્પણ કરાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: 8: “કોરોના”ના સંક્રમણને અટકાવવા માટે અમલી “લોકડાઉન” ની સ્થિતિ વચ્ચે સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા અપાયેલા દિશા નિર્દેશ અનુસાર તાપી જિલ્લાના શેલ્ટર હોમ ખાતે રહેતા, મહિલા અને બાળકલ્યાણ વિભાગના લાભાર્થીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “ટેક હોમ રેશન”ની કીટ અર્પણ કરવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાણાલીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે કાર્યરત કરાયેલા શ્રી અટલ બિહારી બાજપાઈ આશ્રય સ્થાન સહિત ઔદિચ્ય સમાજની વાડી, અને દક્ષિણાપાઠ વિદ્યાલય ખાતેના શેલ્ટર હોમ, તથા વાલોડ તાલુકામાં વેડછી વિદ્યાપીઠ, સોનગઢ ખાતે અગ્રેસન ભવન, ઉચ્છલ ખાતે જીએલઆરએસ સ્કૂલ, અને નિઝર ખાતે મોડેલ સ્કૂલ કન્યા છાત્રાલય ખાતે કાર્યરત શેલ્ટર હોમમાં આશ્રય મેળવી રહેલા, આંગણવાડીના વિવિધ લાભાર્થીઓને “ટેક હોમ રેશન”ની કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.
પ્રોજેકટ ઓફિસર શ્રી એ.ટી.પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર, આ શેલ્ટર હોમમાં આશ્રય મેળવનારાઓ પૈકી 6 માસથી 3 વર્ષની વયજૂથના બાળકોને કુલ 20, 3 થી 6 વર્ષની વયજૂથના બાળકોને કુલ 25, સગર્ભા માતાઓને કુલ 7, ધાત્રી માતાઓને કુલ 5, કિશોરી લાભાર્થી 1 મળી કુલ 58 લાભાર્થીઓને “ટેક હોમ રેશન”ની 232 જેટલી કીટ્સનું વિતરણ કરાયું હતું.
–0—