ઓલપાડનાં સ્યાદલા ગામે કેન્દ્રીય રેલવે, ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોસનાં હસ્તે સમુદાય ભવનનું લોકાર્પણ
સાંસદે આદર્શ ગામ અંતર્ગત દત્તક લીધેલ સ્યાદલા ગામનાં આદિવાસી સમાજને ભવનની ભેટ આપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પ્રસિદ્ધ બળીયાદેવ મંદિરનાં સાંનિધ્યમાં વસેલાં ઓલપાડ તાલુકાનાં સ્યાદલા ગામ ખાતે આજરોજ સમુદાય ભવનનું લોકાર્પણ કેન્દ્રીય રેલવે, ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સદર સમુદાય ભવન ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ હજીરા સયંત્ર ONGC નાં સીએસઆર ફંડમાંથી ₹ 23 લાખનાં માતબર ખર્ચે ઉપલબ્ધ થયેલ છે. આ પ્રસંગે દર્શનાબેને જણાવ્યું કે આ ભવન આદિવાસી સમુદાયને કેન્દ્રમાં રાખી નિર્માણ પામેલ છે જેની પાછળ શિક્ષણ આલમનાં મોભી અને સ્યાદલા ગામનાં વતની એવાં કિરીટ પટેલનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.
આ વિશેષ કાર્યક્રમ નિમિત્તે ઓલપાડ તાલુકા ભાજપા પ્રમુખ બ્રિજેશભાઈ, મહામંત્રી ફુલદીપભાઈ, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને ગામનાં અગ્રણી કિરીટભાઈ પટેલ, ONGC હજીરા મેનેજર ચંદ્રશેખર તથા તેમની ટીમ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.