ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત આડમોર પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષિકા મનોરમા પંડ્યાનાં વિદાય પ્રસંગે શાળામાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા

Contact News Publisher

છેલ્લા 21 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષિકાની અન્ય શાળામાં બદલી થતાં તેમનાં વિદાય સમારંભમાં ગામ હીબકે ચઢ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત આડમોર પ્રાથમિક શાળામાં છેલ્લાં 21 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં શિક્ષિકા શ્રીમતી મનોરમાબેન દિનેશભાઈ પંડ્યાની બદલી થતાં તેમનો વિદાય સમારંભ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ, દંડક કિશોરભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ગામનાં ઉપસરપંચ જમુભાઈ પટેલ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભે શાળાનાં આચાર્ય અશોક પટેલે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી વિદાય લઈ રહેલ મનોરમાબેન પંડ્યાનાં ફરજકાળને વાગોળ્યો હતો. આ પ્રસંગે ગામનાં અગ્રગણ્ય નાગરિક એવાં તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મનોરમાબેને પોતાની ફરજને પ્રભુકાર્ય સમજી 21વર્ષ સુધી એકધારી સેવા આ શાળામાં આપી સાચા અર્થમાં પોતાનું શિક્ષકત્વ ઉજાગર કર્યું જે આનંદની વાત છે.
ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે મનોરમાબેન બાળલક્ષી વિવિધ પાસાઓની ચિંતા હરહંમેશ રાખતાં હતાં. તેઓએ ગામનાં દરેક શુભ અશુભ સામાજિક પ્રસંગોમાં અચૂક હાજરી આપીને સમગ્ર ગામનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કર્યો હતો જે નોંધનીય બાબત છે.
આ પ્રસંગે કાર્યક્રમનાં અધ્યક્ષ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે મનોરમાબેને શિક્ષણનાં જીવ તરીકે વિદ્યાર્થીઓ માટે નિર્માણ કરેલ ભાથુ હંમેશા અકબંધ રહેશે. એક કર્મનિષ્ઠ શિક્ષક તરીકેની તેમની ઉત્કૃષ્ટ કામગીરી ઉપરાંત શિક્ષણ પરિવાર સાથેની તેમની પારિવારિક ભાવના સૌ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
અભૂતપૂર્વ જનમેદની વચ્ચે મનોરમાબેનને શાલ, સન્માનપત્ર અને સ્મૃતિભેટ અર્પણ કરી ભારે હૃદયે વિદાય આપવામાં આવી હતી. સંપૂર્ણપણે શાળાને સમર્પિત એવાં આ શિક્ષિકાનાં વિદાય પ્રસંગે શાળા પરિવાર સહિત ગ્રામજનો ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં. આ તકે ખાસ ઉપસ્થિત રહેલ તેમનાં પરિવારજનો પણ ગદગદિત થયાં હતાં. અંતમાં શાળાનાં વિદ્યાર્થીઓ, વાલીજનો તથા ગ્રામજનોએ તેમને મોમેન્ટો અર્પણ કરી તેમનો શેષ સેવાકાળ બાળ હિતકારી તેમજ જીવન નીરોગી બની રહે એવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other