જૂની પેન્શન યોજના તથા અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે રાજ્યનાં કર્મચારીઓએ પુન: એકવાર આંદોલનાત્મક શસ્ત્રો સજાવી સરકાર સામે લડાયક મૂડમાં
ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલ મિટીંગમાં જૂની પેન્શન યોજના બાબતે સરકારમાં અસરકારક રજૂઆત કરવા અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલન છેડવા ચર્ચા કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સમગ્ર રાજ્યમાં બધાં જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, રાજ્યમાં ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવા સહિતનાં પડતર પ્રશ્નો સંદર્ભે અનેક રજૂઆતોનાં અંતે તા.16/9/2022 નાં રોજ પાંચ મંત્રીઓની કમિટિ સાથે બેઠક કરવામાં આવેલ. જેમાં કેટલાંક પ્રશ્નોનો ઉકેલ આપવામાં આવેલ. સમાધાન મુજબ આજ સુધી કેટલાંક પ્રશ્નોનો ઉકેલ ન મળતાં તા. 4/2/2024 નાં રોજ ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળનાં દરેક જિલ્લાનાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. સદર બેઠકમાં તા. 12/2/2024 સુધીમાં બધાં જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા સમાધાન મુજબનાં બાકી પડતર પ્રશ્નોનો જો ઉકેલ ન મળે તો તબક્કાવાર આંદોલનાત્મક કાર્યક્રમો આપવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું, જે આ મુજબ છે. તા.14/2/2024 અને તા.15/2/2024 રોજ સમગ્ર રાજ્યનાં કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કચેરી વડાને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપી ફરજ બજાવશે. તા.16/2/2024 નાં રોજ સમગ્ર રાજ્યમાં કર્મચારીઓ કાળા કપડાં ધારણ કરી ફરજ બજાવશે અને મુખ્યમંત્રીને પડતર પ્રશ્નો અંગે પત્ર પાઠવશે. જ્યારે તા. 23/2/2024 નાં રોજ ગાંધીનગર ખાતે ધરણાં કાર્યક્રમમાં જોડાશે.
આ આંદોલનાત્મક કાર્યક્રમો સંદર્ભે વધુ વિગત આપતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રી સાથે થયેલ સમાધાન પૈકી બાકી રહેલાં પ્રશ્નો જેવાંકે તા.1/4/2005 પહેલાં ભરતી થયેલાં કર્મચારીઓને GPF અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, CPFમાં કર્મચારીનાં 10 % ફાળા સામે સરકારશ્રીએ 14 % ફાળો ઉમેરવો, કેન્દ્રનાં ધોરણે સાતમા પગાર પંચનાં બાકી ભથ્થાં આપવા તેમજ કેન્દ્રનાં ધોરણે મોંઘવારી ભથ્થાનો દર 25 % થાય ત્યારે ઘરભાડા ભથ્થું 9 %, 18 % અને 27 % તેમજ મોંઘવારી ભથ્થાંનો દર 50 % થાય ત્યારે ઘરભાડા ભથ્થું 10 %, 20 % અને 30 % નાં દરે આપવા બાબતે યોગ્ય ઉકેલ ન મળતાં ના છૂટકે તા. 4/2/2024 નાં રોજ મળેલ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તથા ગુજરાત રાજય કર્મચારી મહામંડળનાં હોદેદારોની મળેલ મિટીંગમાં ઠરાવ્યાનુસાર તા. 14/2/2024 થી પડતર માંગણીઓનાં પ્રશ્ને સરકારનું ધ્યાન દોરવા તબક્કાવાર આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સૂચિત આંદોલનને શિક્ષકોનાં હિતમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ ટેકો-સમર્થન જાહેર કરેલ છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.