અશિતી વંદના : ઓલપાડની કીમ પ્રાથમિક શાળાનાં સ્થાપના દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી
શાળાનાં શૈક્ષણિક તથા ભૌતિક વિકાસમાં અધિકારી-પદાધિકારીઓનું યોગદાન સરાહનીય : કિરીટ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કીમ પ્રાથમિક શાળાની સ્થાપનાને 80 વર્ષ પૂર્ણ થતાં તેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નીતાબેન પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, કીમ ગામનાં સરપંચ પ્રવિણભાઈ પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ તથા સભ્યો, નિવૃત્ત શિક્ષકો, આજુબાજુની શાળાનાં મુખ્યશિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રારંભે શાળામાં યજ્ઞ પછી સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યા બાદ આચાર્ય દિનેશ પટેલે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. ત્યારબાદ નાના ભૂલકાઓ દ્વારા કેક કાપી સ્થાપનાવર્ષની વિધિવત ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે શાળા સાથેનાં સંસ્મરણો વાગોળી શાળાની વિવિધ સિદ્ધિઓની સરાહના કરી હતી. બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં શાળા પરિવારને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતાં. ઉજવણીની દ્વિતીય શ્રેણીમાં બાળ કલાકારોએ અવનવી કૃતિઓ રજૂ કરી હતી.
અંતમાં સૌએ સાથે મળી પ્રિતિભોજનનો આસ્વાદ માણ્યો હતો. આરંભથી અંત સુધી કાર્યક્રમનું સંચાલન શાળાનાં ઉપશિક્ષિકા આરતીબેન દવે તથા બિજલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.