વ્યારા ટાઉન હોલ ખાતે રોજગાર વિભાગ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો રોજગાર ભરતી મેળા યોજાયો
“તાપી જિલ્લામાં રોજગારની ગેરંટી એટલે કુંવરજી હળપતીની ગેરંટી.”-રોજગાર વિભાગ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
–
૫૧૦ યુવાનોને પ્રાથમિક પસંદગી પત્રો એનાયત કરાયા: ૧૮ રોજગારદાતા કંપનીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.29: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-વ્યારા દ્વારા તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ માટે રોજગારીની તક મળી રહે તે હેતુસર જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો આદિજાતિ વિકાસ, શ્રમ, અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ ઉપસ્થિત રોજગારવાંચ્છુક યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષના રોજગાર મેળામાં ૪૦૦ થી વધુ ભરતી થઇ હતી ત્યારે આજે 916 જેટલી પદો માટે યુવાનોને રોજગારીની તકો મળી છે. જેમાંથી ૫૧૦ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઇ છે. એક છેવાડાના જિલ્લા તરીકે તાપી જિલ્લામાટે આ બાબત ગર્વ કરવા યોગ્ય છે.
તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સમગ્ર દેશમાં રોજગારી આપવામાં પ્રથમ ક્રમે છે. વાઇબ્રન્ટ ગુજરાત સહિત જી-20 જેવી અનેક બાબતો દ્વારા રાજ્યમાં રોજગારીની નવી નવી તકો ઉભી કરી છે.
તેમણે સૌ યુવાનોને પોતાનું જીવન સુધારવા માટે કઠોર પરિક્ષમ ખુબ જ જરૂરી છે. પોતાની સ્કીલને એવી બનાવો કે તમે નોકરીથી વંચિત ન રહો. તેમણે ખંતથી મહેનત કરવા અને પોતાની આવડતમાં વધારો કરવા જણાવ્યું હતું.
અંતે તેમણે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ જયારે યુવાનોના રોજગારીની ચિંતા કરે ત્યારે જોઇ પણ યુવાન રોજગારથી વંચિત રહેશે નહી એમ દ્રઢતા પુર્વક જણાવ્યું હતું. અને “તાપી જિલ્લામાં રોજગારની ગેરંટી એટલે કુંવરજી હળપતીની ગેરંટી.” એમ વધુમાં ઉમેર્યું હતું.
ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, અલગ અલગ વ્યક્તિઓએ પોતાની આવડત પ્રમાણે રોજગારી મળે તેવા પ્રયાસો જિલ્લા તંત્ર અને રોજગાર વિભાગના રહ્યા છે. તેમણે રોજગાર દાતાઓને પણ આટલી મોટી સંખ્યામાં વિવિધ જગ્યાઓની ભરતી કરવા માટે આવકાર્યા હતા. તેમણે પગાર ધોરણ કે અન્ય બાબતોને ધ્યાને લઇ ઘરે બેસવાની જગ્યાએ નોકરી મેળવી ધીરે ધીરે પોતાના કામ દ્વારા નામ બનાવવા યુવાનોને અનુરોધ કર્યો હતો.
ઇન્દુ આઇટીઆઇ આચાર્યશ્રી એમ.પટેલે સ્વાગત પ્રવચન કરતા જિલ્લાની આઇટીઆઇ ખાતે ચાલતા કોર્ષ અંગે, 418 એપ્રેન્ટીસ યોજનાના લાભાર્થીઓ અંગે તથા રોજગાર વિભાગની કામગીરી વિશે વિગતવાર જાણકારી આપી હતી.તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અંગે જાણકારી આપી યુવાનો રોજગારી મેળવે અને સ્કીલ વર્ધન તરફ આગળ વધે તે માટે જિલ્લા રોજગાર વિભાગ કટીબધ્ધ છે એમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે 18 જેટલી કંપનીઓ દ્વારા કુલ-૫૧૦ ઉમેદવારોને પ્રાથમિક પસંદગી પત્રો તથા ૧૮ રોજગારદાતા કંપનીઓને પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ,રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા.
જિલ્લા રોજગાર અધિકારીશ્રી વિનોદભાઇ ભોયે આભાર દર્શન તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, વિવિધ આઇટીઆઇના આચાર્યશ્રીઓ, જિલ્લા-તાલુકાના પદાધિકારીશ્રીઓ, અધિકારી-કર્મચારીશ્રીઓ અને રોજગારવાંચ્છુક યુવાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
00000