ડોલવણ ખાતે નવનિર્મિત સીવીલ કોર્ટ બિલ્ડીંગનું ૨૬ જાન્યુઆરીએ ઈ-લોકાર્પણ કરાયું
હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન. સુનીતા અગ્રવાલજીના વરદ હસ્તે ઈ-લોકાર્પણ થયેલ સીવીલ કોર્ટ બિલ્ડીંગ અંદાજીત રૂા.૬.૫૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી સાથે તૈયાર થયેલ છે. જેનાથી લોકોને સુવિધા સાથે ઝડપી ન્યાય મળી રહેશે : હાઈકોર્ટના એડમીનીસ્ટ્રેટીવ જજ ઓફ ધ ડિસ્ટ્રીકટ અનિરૂધ્ધ પી. માયી
(પ્રતિનિધિ દ્વારા, વ્ય્રારા) તા.૨૭- તાપી જિલ્લાના ડોલવણ તાલુકા મથક ખાતે પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરી-૨૦૨૪ના રોજ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન.સુનીતા અગ્રવાલજી ના વરદ હસ્તે નવનિર્મિત સીવીલ કોર્ટ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પક્ષકારોને કેન્દ્ર સ્થાને રાખી અંદાજીત રૂા.૬.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યત્તન બિલ્ડીંગને વર્ચ્યુઅલ માધ્યમથી ખુલ્લી મુકતા અગ્રવાલજીએ જણાવ્યું હતું કે નામદાર ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા શ્રી ડી.વાય. ચંદ્રચુડ ની દીર્ધદ્રષ્ટિ ને ધ્યાને રાખી ભવિષ્યમા; ઈ ફાઈલીંગ તથા ઈ કોર્ટ(વર્ચ્યુઅલ કોર્ટ) હીઅરીંગ પણ થઈ શકે તે માટે હાલની કોર્ટમાં અદ્યત્તન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.
હાઈકોર્ટના માન.એડમીનીસ્ટ્રેટીવ જજ ઓફ ધ ડિસ્ટ્રીકટ અનિરૂધ્ધ પી. માયીના અધ્યક્ષ સ્થાને આજે તા.૨૭/૦૧/૨૦૨૪ ના રોજ પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રીક્ટ સેસન્સ જજ શ્રી એન.બી.પીઠવા,ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ઈ.ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ,જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ સહિત બાર એસોશિએશનની ઉપસ્થિતિમાં વિધિવત કોર્ટ બિલ્ડીંગનો શુભારંભ કરાયો હતો.
મુખ્ય અતિથિ માન.એડમીનીસ્ટ્રેટીવ જજ ઓફ ધ ડિસ્ટ્રીકટ અનિરૂધ્ધ પી. માયી એ બાર એસોશિએશન અને સીનીયર વકીલો સહિત પક્ષકારોને સંબોધતા જણાવ્યું હતું કે સરકારશ્રી ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બિલ્ડીંગ સુવિધાસભર બનાવવામાં આવ્યું છે. સાક્ષીઓને ઉભા રહેવુ ન પડે વધુમાં પક્ષકારો સુમેળભર્યા વાતાવરણમાં સમાધાન કરવા ઈચ્છે તો તે માટે અલગથી મીડીયેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. પક્ષકારો તથા વકીલો બંને પોતાની જીત થઈ હોય તેવા અનુભવ સાથે હાથ મીલાવીને હસતા મોઢે પોતપોતાના ઘરે જાય તેવી અપેક્ષા છે. અંતરિયાળ વિસ્તારમાં આધુનિક ભવનથી લોકોને ફાયદો થશે. કેસનો ઝડપી નિકાલ થશે અને લોકોને ઝડપી ન્યાય મળી રહેશે.
ડિસ્ટ્રીક્ટ જજ એન.બી.પીઠવાએ જણાવ્યું હતું કે આ નવનિર્મિત ન્યાયમંદિરમાં સી.સી.ટી.વી.,ઈ.સેવા કેન્દ્ર, કોન્ફરન્સ રૂમ,બાર રૂમ,લાયબ્રેરી, બેન્ક, પોસ્ટ ઓફિસ, સ્ત્રી-પુરૂષ માટે પ્રસાધન રૂમ, વિકલાંગ પક્ષકારો માટે અલાયદો પ્રસાધન રૂમ બનાવવામાં આવેલ છે.
ડોલવણ જજ શ્રી જી.એસ.દેવરાએ મુખ્ય અતિથિ સહિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.હેતલ પંચોલીએ પ્રાર્થના રજુ કરી હતી. જ્યારે ભૂમિકા શાહના કલાવૃંદે નૃત્ય રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્ય અતિથિ સહિત મહાનુભાવોએ સીનીયર વકીલોનું સન્માન કર્યું હતું.વ્યારા બાર એસોશિએશન પ્રમુખ મુકેશ જી.ચૌધરી,ઉપપ્રમુખ કુણાલ એસ પ્રધાન, સેક્રેટરી ગુંજન ડી.ઢીમ્મર,શ્રીમતિ માયી,શ્રીમતિ પીઠવા સહિત મોટી સંખ્યામાં વકીલો,કોર્ટ સ્ટાફગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦