એસ્પીરેશનલ બ્લોક, નિઝર ખાતે ‘બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત “બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬- જાગૃતિ સેમિનાર યોજાયો
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) ની વિદ્યાર્થીનીઓને મુબારકપુર મેન્સ્યુરન્સ હાઇજિન અંગે તાલીમ આપી: ૧૦૦ કિશોરીને ૨૫૦૦૦ સેનેટરી પેડનું વિતરણ કરવામં આવ્યું
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૧૭: તાજેતરમાં ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તાપી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ તાપીના સંયુકત ઉપક્રમે એસ્પિરેશનલ તાલુકો નિઝર ખાતે વિવિધ ગામોના સરપંચોશ્રીઓ, ડી.જેના માલીકો, બ્રાહ્મણો અને પાદરીઓ સહિત લગ્ન વિધી કરાવનાર આગેવાનો અને મહિલા લીડર બહેનો સાથે ‘બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંગેના કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા કાર્યક્રમનો ઉદ્દેશથી સૌને અવગત કરવામાં આવ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, ડો.મનિષા એ. મુલતાની દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાઓ” વ્હાલી દિકરી યોજનાનો બાળ લગ્નના કાયદા અંગે,લગ્ન સર્ટિફિકેટ કઢાવવાની પ્રક્રિયાથી મળતા યોજનાકીય ફાયદા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિજયભાઈ રાઠોડએ જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત ચાલતી યોજનાની માહિતી આપવામાં આવી હતી. પ્રોટેકશન ઓફિસરશ્રી હિરેનભાઈ ચૌધરીએ ‘બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ- -૨૦૦૬- અંગે કાયદાકીય સમજ આપી બાળકોની લગ્નની ઉમર, કાયદામાં સજાની જોગવાઇ અને બાળ લગ્ન અટકે તે અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા વિવિધલક્ષી કલ્યાણ કેન્દ્રના મીનાબેન પરમારએ મહિલા વિશે વિવિધ યોજનાઓ અને કાયદાઓ અંગે માહિતી આપી હતી. ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન-ના જેન્ડર સ્પેસશિયાલિસ્ટ ખુશ્બુ ગામીતે મહિલાલક્ષી વિવિધ યોજનાની જાણકારી આપી હતી.
સખી ‘વન સ્ટોપ સેન્ટર -તાપી વિશે કેન્દ્ર સંચાલક શિલ્પાબેન ગામીતએ સેન્ટરમાં પિડિત મહિલાઓને અપાતી સેવાઓ અને સુવિધા અંગેની જાણકારી આપી હતી. આ સાથે નિઝર તાલુકામાં જન્મેલ કુલ ૫૧ નવજાત દિકરીઓને ‘બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત નિઝર તાલુકા પ્રમુખશ્રી મેહુલકુમાર વળવીના હસ્તે દિકરી વધામણા કીટનુ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) મુબારકપુર મેન્સ્યુરન્સ હાઇજિન અંગેની તાલીમ આપી કુલ ૧૦૦ કિશોરીને ૨૫૦૦૦ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૦૦૦૦