લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે સમસ્ત ખ્રિસ્તી સમાજ-ગુજરાત દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં શાકભાજીની કીટ મોકલાવાઈ
તાપી જિલ્લા સેવા સદન ખાતેથી શાકભાજીના વાહનોને જિલ્લા પુરવઠા અધિકારીએ લીલી ઝંડી આપી રવાના કર્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૪: “લોકડાઉન” ના સમયમાં અસરગ્રસ્ત પરિવારોને આવશ્યક ચીજવસ્તુઓ પૈકી શાકભાજી પુરી પાડી શકાય તે માટે આગળ આવેલા વ્યારાના સમસ્ત ખ્રિસ્તી સમાજ-ગુજરાત દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં શાકભાજીની કીટ ભરેલા વાહનો રવાના કરાયા છે.
ખ્રિસ્તી સમાજ દ્વારા એકત્ર કરાયેલા લીલા શાકભાજીના ૧૦ જેટલા પિકઅપ વાહનોને વ્યારા સ્થિત જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળા મહેસુલી અધિકારી સહિત ખ્રિસ્તી સમાજના પ્રમુખ શ્રી હરીશભાઈ ગામીત, તથા સાતેય જિલ્લાના ખ્રિસ્તી સમાજના પ્રમુખ, આગેવાનો, બિશપ, ઇન્ડિયન નેશનલ ફુલ ગોશપલ ચર્ચ ભારતના સેક્રેટરી શ્રી આર.એમ.પટેલ, આદિવાસી એકતા મંચના પ્રમુખ શ્રી જયરામભાઈ ગામીત, એ.પી.એમ.સી. સોનગઢ તથા સુમુલના ડિરેક્ટર શ્રી અરવિંદભાઈ ગામીત, સાતેય જિલ્લાઓના ખ્રિસ્તી સંસ્થાઓના આગેવાનો, યુથ ટીમના આગેવાનો વિગેરેએ ઉપસ્થિત રહીને, આ સેવા કાર્યમાં તેમનો સહયોગ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, “લોકડાઉન” ની સ્થિતિ વચ્ચે અંતરિયાળ ગામોમાં રહેતા અસરગ્રસ્ત પરિવારો માટે રવાના કરાયેલી શાકભાજીની આ કિટ પૈકી તાપી જિલ્લામાં૪ વાહનોમાં કુલ ૧૨૦૦ કીટ, ડાંગમાં એક વાહન ૬૦૦ કીટ, સુરતમાં એક વાહન ૬૦૦ કીટ, નવસારીમાં એક વાહન ૫૫૦ કીટ, નર્મદા એક વાહન ૬૦૦ કીટ, વલસાડ ૧ વાહન ૬૦૦ કીટ, અને ભરૂચ ૧ વાહન ૬૦૦ કીટ મળી સાત જિલ્લાઓમાં કુલ ૫૦ ટન શાકભાજી રવાના કરવામાં આવ્યું હતું.
–