ઉતરાયણની સુરક્ષિત ઉજવણી માટે સાવચેતી જાળવવા તાપી જિલ્લા તંત્રની અપીલ
ડીજીવીસીએલ દ્વારા ઉતરાયણની સુરક્ષિત ઉજવણી માટે જાહેર જનતા જોગ નમ્ર અપીલ કરાઇ
જરૂરી મદદ માટે ટોલ ફ્રી નંબર- ૧૯૧૨૩ કે ૧૮૦૦-૨૩૩-૩૦૦૩ ઉપર સંપર્ક કરવો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.12: આગામી ૧૪ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન કોઈ અકસ્માત કે જાનહાની ન થાય તે માટે જરૂરી સાવધાની રાખવા તાપી જિલ્લા તંત્ર અને ડીજીવીસીએલ દ્વારા જરૂરી સુચનો જાહેર કરી નમ્ર અપીલ કરવામાં આવી છે. જેમાં ડીજીવીસીએલના ઇલેક્ટ્રિક નેટવર્કથી હંમેશા સલામત અંતર જાળવવું જોઇએ. વીજતાર,વીજપોલ કે ટ્રાન્સફોર્મર સેંટર પર પતંગ કે તેનો દોરો ફસાયેલ હોય તો તેને કાઢવાની કે ખેંચવાની કોશિશ કદાપી કરવી નહિ. તેમજ એ માટે કોઈને પ્રેરિત પણ કરવા નહિ. પતંગ ઉડાડવા માટે મેગ્નેટિક ટેપ,મેટાલિક યાર્ન ,જરીના દોરા, ભીના દોરા,ચાઇનીઝ દોરા કે કેમિકલ યુક્ત માંજા નો ઉપયોગ કરવો નહિ. પતંગ આંબવા કે પકડવા માટે લોખંડ કે ધાતુનો પાઈપ કે તાર વાપરવો નહિ. વીજ સલામતી સબંધિત જો કોઈ ભયજનક પરિસ્થીતી જણાય તો અમારા ટોલ ફ્રી નંબર- ૧૯૧૨૩ કે ૧૮૦૦-૨૩૩-૩૦૦૩ ઉપર તાત્કાલિક સંપર્ક કરવો. આ ઉપરાંત આપની નજીકની વીજ પેટા વિભાગીય કચેરી સ્થિત ફોલ્ટસેન્ટરને પણ તુરંત જાણ કરી શકો છો. એ માટે અમારી વેબસાઈટ www.dgvcl.com પર contact us નિહાળો.
સમગ્ર તાપી જિલ્લામાં થોડી તકેદારી અને સાવધાનીથી મોટી દુર્ઘટના કે અકસ્માત નિવારી શકાય છે. છતાંય કોઈપણ દુર્ઘટના કે આપત્તિ ઉભી થાય તો તુરંત જ ઈમરજન્સી નંબર 108 પર અને કોઈ પશુ/પંખીને ઈજા પહોંચે તો 1962 પર સંપર્ક કરવા તાપી જિલ્લા તંત્ર તથા ડીજીવીસીએલ વિભાગ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
૦૦૦૦૦