બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે પ્રતિભાશાળી શિક્ષક પસંદગી વર્કશોપ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતાં અને શાળાકીય, સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનારા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવાં ઉમદા હેતુસર ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપવાની યોજના રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.
આ યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ અને દરેક સત્ર દીઠ એક શિક્ષકની પસંદગી કરવાની હોય છે. જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે પ્રતિભાશાળી શિક્ષક પસંદગી અંગેનાં એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
યોજના અન્વયે વર્ષ 2023/24 નાં દ્વિતીય સત્ર માટે તાલુકાનાં ક્લસ્ટર દીઠ એક પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી કરવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરતનાં પ્રતિનિધિ ગીતાબેન વાંસીયાએ ખાસ ઉપસ્થિત રહીને શિક્ષકોનું પ્રેઝન્ટેશન નિહાળી તેમને માર્ગદર્શિત કર્યા હતાં. સહપસંદગીકાર તરીકે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌ સાથે વ્યક્તિગત રીતે ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરીને જરૂરી માહિતી પ્રદાન કરી હતી.
સૌ શિક્ષક ભાઈ-બહેનોએ સંપૂર્ણ મોકળાશથી પોતાનાં નવાચારને મૌખિક અને સાધનિક પુરાવા સાથે રજૂ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. ગુણાંકન માળખા અનુસાર પસંદગી પામેલ શિક્ષકોને આગામી પ્રજાસત્તાકદિન નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.