ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને ડોલવણ તાલુકાના રાયગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
ડોલવણ તાલુકો: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’
તાપી જિલ્લો પુરુષ પ્રધાન નહિ પણ મહિલા પ્રધાન જિલ્લો છે: મહિલાઓના સમાજીક-આર્થીક વિકાસમાં ગુજરાત સરકાર સહિત તાપી જિલ્લા તંત્ર કટીબધ્ધ છે. – ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી
–
મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા 20: સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી સરકારશ્રીના તમામ લાભો પહોંચાડી શકાય તેવા પ્રસંશનિય હેતુથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જે અન્વયે આજરોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના રાયગઢ ગામે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ તાપી જિલ્લાના વિકાસની સાથે ભારત દેશના વિકાસમાં સહભાગી થવા સંકલ્પ લેવા અનુરોધ કરતા સ્થાનિક બોલીમાં ઉપસ્થિત સૌને જણાવ્યું કે,સમગ્ર ભારતમાં આ યાત્રા ચાલી રહી છે. આ યાત્રા તમારા-મારા બધા માટે છે. દરેક વ્યક્તિને કોઇને કોઇ લાભ મળ્યા છે. ત્યારે તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સરકારશ્રીની યોજનાનો લાભ લે અને કોઇ બાકાત ન રહે તેની તકેદારી રાખવા સ્થાનિક આગેવાનોને અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે આયુષ્મા ભારત,ઉજ્જ્વલા,પીએમ કિશાન સન્માન નિધી, અવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન જેવી વિવિધ યોજનાઓ અમલમા ન હતી ત્યારની પરિસ્થિતી અને અત્યારની સુવિધા સંપન્ન પરિસ્થિતી અંગે સૌને અવગત કર્યા હતા. અંતે તેમણે તાપી જિલ્લો પુરુષ પ્રધાન નહિ પણ મહિલા પ્રધાન જિલ્લો છે એમ જણાવી વર્તમાન સરકાર દ્વારા મહિલાકલ્યાણકારી વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. વધુમાં મહિલાઓના સમાજીક આર્થીક વિકાસમાં ગુજરાત સરકાર સહિત તાપી જિલ્લા તંત્ર કટીબધ્ધ છે એમ ઉમેર્યું હતું.
નોંધનિય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે. ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી ૧૦૦ ટકા લક્ષ્ય હાંસલ કરવાના ઉદ્દેશ સાથે તાપી જિલ્લામાં વિવિધ યોજનાના લાભાર્થીઓને આ યાત્રાના માધ્યમ થકી લાભો અને સહાય વિતરણ કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન, ઉજ્જ્વલા યોજના, પોષણ અભિયાન, આયુષ્માન ભારત કાર્ડ, ટીબી ચેમ્પીયનના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા સૌની સમક્ષ વર્ણવી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરાયા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાના સ્ટોલ તથા મેડિલક હેલ્થ કેમ્પનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાયગઢ ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત અને સખી મંડળની બહેનો દ્વારા “ધરતી કહે પુકાર કે” અંતર્ગત નુક્ક્ડ નાટક રજુ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડોલવણ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિવિધ અધિકારી-પદાધિકારીઓ,સરપંચશ્રીઓ, વિવિધ યોજનાના લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦