ઉચ્છલ તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સમાપન

Contact News Publisher

૧૪ દિવસ દરમિયાન ૨૪ જેટલી ગ્રામ પંચાયતને આવરી ૧૦ હજારથી વધુ સક્રિય જનભાગીદારી નોંધાઈ

વિવિધ સ્તરે પ્રસંશનિય કામગીરી કરેલ ૧૧૧ જેટલા વિદ્યાર્થીઓ, ૧૫૪ મહિલાઓ, ૪૫ રમતવિરો અને ૩૫ કલાકારોને એવોર્ડ એનાયત કરાયા

તાપી જિલ્લા તંત્રએ વિવિધ યોજના હેઠળ સેચ્યુરેશન પોઇન્ટ એટલે કે ૧૦૦ ટકા સુધીની ઉપલબ્ધિ હાંસલ કરી

મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮: આજે વૈશ્વિક માહોલ ભારત તરફી છે. વિદેશો ભારત પ્રત્યે આદર સન્માન અને આશાની નજરે જોઈ રહ્યા છે, ત્યારે આ વૈશ્વિક સાનુકૂળ માહોલમાં દેશની પ્રગતિ માટે સૌને ભાગીદાર બનવાનું આહ્વાન કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને તાપી જિલ્લામાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સમાપન કાર્યક્રમ પાટીબંધારા ગ્રામપંચાયત ખાતે યોજાયો હતો. ઉચ્છલ તાલુકામાં તા.૦૪-૧૨-૨૦૨૩થી શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું તા.૧૭-૧૨-૨૦૨૩ના રોજ પાટીબંધારા ગ્રામપંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્યશ્રી ડો.જયરામ ગામીતની ઉપસ્થિતી સહિત ગ્રામજનોના સાથ સહકારથી ઉત્સાહભેર પુર્ણાહિતી કાર્યક્રમ યોજાયો હતો.

નોંધનિય છે કે, આ યાત્રા થકી ઉચ્છલ તાલુકામાં ૧૪ દિવસ પરિભ્રમણ કરી સ્થાનિકોને સરકારશ્રીની ૨૨ જેટલી જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. જેમાં ઉચ્છલ તાલુકાની યાત્રા દ્વારા ૧૪ દિવસ દરમિયાન ૨૪ જેટલી ગ્રામપંચાયતને આવરી લેવામાં આવી હતી. આ યાત્રામાં ૯૮૦૯ જેટલી જન ભાગીદારી નોંધાઈ હતી. જેમાં ૪૪૬૪ પુરુષો અને ૫૨૯૩ જેટલી મહિલાઓ સક્રિય ભાગીદારી નોંધાવી હતી.

વધુમાં, હેલ્થ કેમ્પમાં ૭૩૬૪ લોકોએ આરોગ્યની ચકાસણી, ૩૨૨૬ લોકોએ TBની ચકાસણી અને ૨૯૯૭ લોકોએ સિકલસેલની પણ ચકાસણી કરાવી હતી. સ્થળ ઉપર જ ૧૩૭૩ નાગરિકોને આયુષ્માન ભારત કાર્ડ ઓનલાઇન બનાવી આપવાની સાથે તમામે તમામ ૧૩૭૩ લોકોને આયુષ્માન ભારત કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ ૪૫૯ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અને ‘માય ભારત’ અંતર્ગત ૧૨૬૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

આટલું જ નહીં, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ૩૨૬ સોઇલ હેલ્થ કાર્ડ ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિવિધ સ્તરે પ્રસંશનિય કામગીરી કરેલ ૧૧૧ જેટલા વિદ્યાર્થીઓ, ૧૫૪ મહિલાઓ, ૪૫ રમતવિરો અને ૩૫ કલાકારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ‘મેરી કહાની મેરી ઝુબાની” અંતર્ગત ૧૧૬ લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા નાગરિકો સમક્ષ રજુ કરી હતી. સખી મંડળ અને બાળકો દ્વારા ૨૪ ગામોમાં ‘ધરતી કહે પુકાર કે’ થીમ હેઠળ નુક્કડ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

તાપી જિલ્લા તંત્રએ વિવિધ યોજના હેઠળ સેચ્યુરેશન પોઇન્ટ એટલે કે ૧૦૦ ટકા સુધીની ઉપલબ્ધિ હાંસલ કરી

આ યાત્રા દરમિયાન કેટલાક ગામોમાં વિવિધ યોજના હેઠળ ૧૦૦ ટકા એટલે કે, સેચ્યુરેશન પોઇન્ટ સુધીની ઉપલબ્ધિ હાંસલ કરી છે. યાત્રા દરમિયાન ૨૦ ગામોમાં આયુષ્યમાન ભારત યોજના,૨૪ ગામોમાં જલ-જીવન મિશન યોજના, ૨૪ ગામોમાં પીએમ કિશાન યોજના, ૨૪ ગામોમાં જનધનયોજના, ૨૪ ગામોમાં લેન્ડ રેકર્ડ ડીજીટાઇઝેશન અને ૨૪ ગામોએ O.D.F+ ની સીધ્ધી પ્રાપ્ત કરી છે. આમ વિવિધ યોજના હેઠળ સેચ્યુરેશન પોઇન્ટ એટલે કે ૧૦૦ ટકા સુધીની ઉપલબ્ધિ તાપી જિલ્લા તંત્રએ સફળતા પુર્વક હાંસલ કરી હતી.
આ સાથે ૩ ગામોમાં ‘નમો ડ્રોન દીદી યોજના’ અંતર્ગત ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવનું નિદર્શન કાર્યક્રમ હેઠળ ૮૬૮ ખેડુતો સાથે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કરવામાં આવ્યો હતો. સાથે ૯૮૦૯ લોકોએ તાપી જિલ્લા સહિત ભારત દેશને વિકસિત બનવાના સંકલ્પ લીધા હતા.

સમગ્ર ગુજરાત સહિત તાપી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ થકી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે તાપી જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. ત્યારે તાપી જિલ્લામાં હાલ “મોદીની ગેરંટી” વાળી IEC વાન સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જોર શોરથી આગળ વધી રહી છે.
૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *