સુરતનાં જિલ્લા કક્ષાનાં વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં બાલાજી ગર્લ્સની ઝળહળતી સફળતા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત જિલ્લા કક્ષાનાં વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન નવનિર્માણ વિદ્યાલય, ભરથાણા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં શહેરની શ્રીમતી ક.લ.શં.ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કૂલ ફોર ગર્લ્સએ શાળાનાં આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલની પ્રેરણા હેઠળ વિભાગ-3 (ઉચ્ચતર માધ્યમિક વિભાગ) માં વૈશાલીબેન પટેલ અને મુનીરાબેન હમદાનીનાં માર્ગદર્શન દ્વારા તૈયાર થયેલ કૃતિ ‘Best from Waste’ એ સહર્ષ ભાગ લીધો હતો. આ કૃતિએ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરી શાળાને ઝળહળતી સિધ્ધિ અપાવી છે.
રજૂ થયેલ કૃતિ વિશે વધુ માહિતી આપતાં વૈશાલી પટેલ તથા મુનીરા હમદાનીએ જણાવ્યું હતું કે આ કૃતિનો મૂળભૂત હેતુ પાણીમાં ઝડપથી વૃદ્ધિ પામતી નકામી વનસ્પતિ જળકુંભીને કાઢી કચરારૂપે ફેંકી દેવાને બદલે તેનો પ્રાણીઓનાં ઘાસચારારૂપે, વર્મી કમ્પોસ્ટ બનાવીને કે રાંધણગેસને બદલે તેમાંથી બાયો ફ્યુઅલ બનાવીને ઉપયોગ કરી શકાય છે. એટલું જ નહિ જળકુંભીનાં રેસામાંથી ફેબ્રિક બનાવી કાપડ ઉદ્યોગમાં વાપરી શકાય છે. તેને સૂકવીને તેમાંથી વિવિધ ફેન્સી ક્રાફ્ટ બનાવી લઘુઉદ્યોગ દ્વારા આર્થિક પ્રવૃત્તિ કરી રોજગારી મેળવી શકાય છે.
વિજ્ઞાનમેળામાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીનીઓ, શિક્ષિકાઓ તેમજ આચાર્યાને શાળાની વહીવટી સમિતિનાં અધ્યક્ષ એડવોકેટ નીલમબેન શાહે અભિનંદન પાઠવ્યા હતાં. સદર કૃતિ હવે ધરમપુર જિ.વલસાડ ખાતે યોજાનાર ઝોન કક્ષાનાં વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન ભાગ લેશે.