ખોલવડની એમ.એ.આઇ. પ્રાથમિક શાળા ખાતે કામરેજનો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, સુરત તેમજ એમ.એ.આઇ. પ્રાથમિક શાળા, ખોલવડનાં સંયુક્ત ઉપક્રમે કામરેજનો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ભવ્ય રીતે ઉજવાયો હતો.
એમ.એ.આઇ. પ્રાથમિક શાળા, ખોલવડ ખાતે તાલુકા પંચાયતનાં પ્રમુખ રેખાબેન પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કલા મહાકુંભમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.દિપક આર. દરજી, નાયબ કલેકટર વી. કે. પીપળીયા, મામલતદાર આર. કે. ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી એસ.જી. પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જ્યોતિબેન પટેલ, સંસ્થાનાં પ્રમુખ અયુબકાકા, સુમુલનાં ડિરેક્ટર બળવંતભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો, આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યાં હતાં.
સદર કલા મહાકુંભમાં વિવિધ ૧૪ પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સંસ્થાનાં ટ્રસ્ટી યુસુફ મુલ્લાંએ મહેમાનોને આવકાર્યા હતાં. જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠીયાએ કાર્યક્રમનો ચિતાર રજૂ કર્યો હતો. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપક આર. દરજીએ પ્રેરક ઉદબોધન સાથે સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કન્વીનર યાસીનભાઈ મુલતાને કર્યું હતું. જ્યારે સંસ્થાનાં આચાર્ય રસીદ ઉઘરાતદારે આભારવિધિ આટોપી હતી.