અંધાત્રી ગામે મહેમાનની જગ્યાએ યજમાન બની રથનું ભવ્ય સ્વાગત કરતા ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા
ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના ગામે પહોચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા
–
ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહયોગીતા આપવાના શપથ લીધા
–
ધારાસભ્યશ્રીએ પોતે આરોગ્ય કેમ્પમાં બી.પી.-ડાયાબિટીસની તપાસ કરાવી અને મહત્તમ લોકો આ યાત્રા થકી લાભાન્વિ થાય તે માટે અનુરોધ કર્યો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.૧૪: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને તાપી જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
ત્યારે આજરોજ તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના ગોડધા અને અંધાત્રી ગામે રથનું આગમન થતા ગ્રામજનો સહિત ધારાસભ્યશ્રીએ પોતે મહેમાનની જગ્યાએ યજમાન બની રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશેષ કરીને ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના ગામ અંધાત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોચતા ધારાસભ્યશ્રી સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકાર્યો હતો.
આ પ્રસંગે “સરકાર આજે મારા ગામે લાભ આપવા પહોંચી છે ત્યારે કોઇ પણ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભથી વંચિત ન રહે” એમ ધારાસભ્યશ્રી મોહનભાઇએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું.
આ ઉપરાંત ધારાસભ્યશ્રી દ્વારા આંગણવાડીના કાર્યકર અને તેડાગર બહેનોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને વિવિધ સાંકૃતિક કૃતિ માટે પ્રોત્સાહિત કરતા રોકડ રકમ પણ તેમણે આપી હતી.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે પોતાને મળેલા લાભોની ગાથા વર્ણવી હતી. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળી હતી. ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહયોગીતા આપવાના શપથ લીધા હતા.
આ તકે ઉપસ્થિત મહેમાનોએ આરોગ્ય અને આંગણવાડી સહિત વિવિધ યોજનાકિય સ્ટોલની મુલાકાત લીધી હતી તથા ધારાસભ્યશ્રીએ પોતે પણ આરોગ્ય કેમ્પમાં બી.પી.-ડાયાબિટીસની તપાસ કરાવી ગામના મહત્તમ લોકો આ કેમ્પ થકી લાભાન્વિત થાય તે સુનિશ્ચિત કર્યુ હતું.
કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦