નિરાશામાંથી પણ હાસ્ય નિષ્પન્ન કરવાની ખૂબી ધરાવતાં કર્મઠ શિક્ષક મહેન્દ્રસિંહ વાંસિયાનો વિદાય સન્માન સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ચોર્યાસી તાલુકાની વાંઝ પ્રાથમિક શાળાનાં માજી કેન્દ્વાચાર્ય અને ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ એવાં મહેન્દ્રસિંહ જયમલસિંહ વાંસિયાનો વયનિવૃત્તિ સન્માન સમારંભ અત્રેની વાંઝ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ વિદાય સન્માન સમારંભમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મણીલાલ લાડ, સરપંચ હીનાબેન તથા સમસ્ત ગ્રામ પંચાયત સભ્યો, જિલ્લા સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા હોદ્દેદારો, ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ નિમેષભાઈ પટેલ તથા હોદ્દેદારો બી.આર.સી. કો-ઓર્ડિનેટર પરેશભાઈ ટંડેલ, એસ.એમ.સી. શૈ.સંઘનાં મહેશભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી, નરેશભાઈ ભટ્ટ, તાલુકાનાં તમામ મુખ્યશિક્ષકો, સચીન વિસ્તારનાં નામાંકિત સામાજિક અગ્રણીઓ, સ્નેહીજનો અને શુભેચ્છકો ઉપરાંત ખૂબજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ વિદાય સન્માન પ્રસંગે મહેન્દ્રસિંહ વાંસિયાને ફૂલહાર, મોમેન્ટો, સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવા માટે રીતસર કતાર લાગી હતી જે બાબત તેમનાં હસતાં અને હસાવતાં વ્યક્તિત્વ અને માનવીય સંબંધોને જાળવવાની એમની કુનેહને ઉજાગર કરતી હતી. શાળાનાં ઉત્થાન અને પ્રગતિ માટે તેમણે કરેલાં કાર્યો, બાળકો પ્રત્યેનો પ્રેમભાવ, સ્ટાફ સાથેનું સંકલન, સંઘભાવના જેવી ઘણી મીઠી યાદોનાં તેમની કદરરૂપેનાં સંભારણા આ તકે ઉપસ્થિત મહેમાનોનાં પ્રાસંગિક પ્રવચનમાં સાંભળવા મળ્યાં. શિક્ષકોનાં પ્રશ્નો બાબતે શિક્ષકોની પડખે ઊભા રહેનાર આ કુશળ વહીવટકર્તાને વાંઝ કેન્દ્રનાં શિક્ષકોએ ભીની આંખે વિદાય આપી હતી.
અંતમાં ઉપસ્થિત સૌ મહેમાનો સહિત બાળકોએ સ્વરુચિ ભોજનનો આસ્વાદ માણ્યો હતો. બાળકો મહેન્દ્રસિંહબાપુ સાથે હળવાશની પળો માણવા ડીજેનાં તાલે ઝુમ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મણીભાઈ લાડ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભારવિધિ વાંઝનાં કેન્દ્ર શિક્ષક શૈલેષભાઈ પરમાર દ્વારા આટોપવામાં આવી હતી.