મેરેથોન, સાયકલિંગ, ઈનોવેશન જેવાં વિવિધ ક્ષેત્રે 101 મેડલ સાથે ડૉ.ધર્મેશ પટેલ અણનમ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જેને કંઈ કરવું છે એને કોઈ આંધી તુફાન રોકી શકે નહીં. આ ઉક્તિને સુરત જિલ્લાનાં દરિયાકિનારે વસેલાં નાનકડા ભાંડુત ગામનાં નિવાસી અને હાલ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોબા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં ડૉ.ધર્મેશ પટેલે સાર્થક કરી બતાવી તેઓ અન્ય માટે પ્રેરણાસ્રોત બન્યા છે. તેમણે મેરેથોન, સાયકલિંગ, ઈનોવેશન જેવી વિવિધ સ્પર્ધાઓમાં 101 જેટલાં મેડલ મેળવી નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરીને ઓલપાડ તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લાનું ગૌરવ વધારેલ છે.
ડૉ.ધર્મેશ પટેલનું કહેવું છે કે પોતાનાં સ્વાસ્થ્ય માટે આપણે કોઈને કોઈ એક્ટિવિટીમાં જોડાયેલાં રહેવું જરૂરી છે, જેનાં કારણે આપણું તન અને મન મજબૂત બને છે. જે સાથે આપણી જ્ઞાનેન્દ્રિયો પણ ખીલે છે અને યાદશક્તિ પણ વધે છે.