તાપી જિલ્લામાં તા. ૨૪ અને ૨૫ નવેમ્બરે રવિ કૃષિ મહોત્સવ યોજાશે
રવિ કૃષિ મહોત્સવના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
–
બે દિવસિય મહોત્સવ દરમિયાન એક્ષપર્ટ લેક્ચર,પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના મોડલ ફાર્મની મુલાકાત, પ્રગતિશિલ ખેડૂતોની સાફલ્યગાથા, સ્ટોલ પ્રદર્શનનું આયોજન
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.08: તાપી જિલ્લામાં આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બર-૨૦૨૩ના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાનાર છે જે સંદર્ભે તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યસ્થાને મહોત્સવના સુચારૂ આયોજન માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
રવિ કૃષિ મહોત્સવ સંદર્ભે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના તમામ તાલુકામાં આ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થાય અને વધુમાં વધુ ખેડૂતો આ મહોત્સવ દ્વારા સરકારશ્રીની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓથી જાગૃત થાય અને તેનો લાભ લે તે મુજબ આયોજન કરવા સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચન કર્યુ હતું.
આ ઉપરાંત મહોત્સવની આગોતરી તૈયારીના ભાગરૂપ વિવિધ વિભાગોને નોડલ ઓફિસરની નિમણુંક કરવા, મહોત્સવ દરમિયાન યોજાનાર ટેકનિકલ સેશન અંગે એક્ષપર્ટને બોલાવવા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના મોડલ ફાર્મની મુલાકાત, પ્રચાર પ્રસાર કરવા, પ્રગતિશિલ ખેડૂતોની સાફલ્યગાથા નાગરિકોને બતાવવા, સ્ટોલ પ્રદર્શન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયાએ જિલ્લાના તાલુકાઓમાં યોજનારા આ મહોત્સવની રૂપરેખા અને આયોજન અંગે વિસ્તૃત માહિતી પ્રેઝનટેશન રૂપે રજુ કરી હતી. બેઠકમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી અલ્કેશ પટેલ સહિત સંબંધિત ખાતાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000