હોસ્પિટલમાં એડમીટ બાળકનો આધારકાર્ડ કઢાવવા આઇસીડીએસ તાપીની ટીમના ઓપરેટર હોસ્પીટલે આવીને વાલીને મદદરૂપ બન્યા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.૦૩: આધારકાર્ડ અને તેના દ્વારા મળતી સેવાઓ દિન-પ્રતિદિન વધતી જાય છે. જેમા જિલ્લા પંચાયતના આઇ.સી.ડી.એસ. વિભાગ હેઠળ કુલ-૭ આધાર નોંધણી કેંદ્ર કાર્યરત છે. જ્યાં ૦-૫ વર્ષના બાળકોના નવા આધાર કાર્ડ તેમજ આધાર સુધારણા, અને આધાર અપડેટ કરવાની કામગીરી થાય છે.

જ્યા આજ રોજ જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. અંતર્ગત ચાલતા આધાર નોંધણી કેંદ્ર, વ્યારા ઘટક-૧માં એક વાલી તેમના બાળકનો આધાર કાર્ડ કઢાવવા આવ્યા, અને જણાવ્યું કે, બાળક હોસ્પિટલમાં એડમીટ છે, અને તેની હાલત સારી ન હોવાના કારણે નોંધણી કેંદ્ર પર લાવી શકાય તેમ નથી. સરકારશ્રી દ્વારા ચાલતી આયુષમાન ભારત યોજનાનો લાભ લેવા માટે આયુષમાન કાર્ડ કઢાવવાનો હોવાથી આધાર કાર્ડની જરૂરીયાત જણાવતા વાલી દ્વારા, પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલનોં સંપર્ક કરવામાં આવ્યો હતો.

જેના પગલે પ્રોગ્રામ ઓફિસરશ્રી અને તેમની ટીમે સંવેદના દાખવી વ્યારા ઘટક-૧ના ઓપરેટર હનોખ જી.ગામીતને હોસ્પિટલ મોકલી, તેના દ્વારા આધાર નોંધણીની કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ કરાવી હતી. આમ, ટીમ આઇ.સી.ડી.એસ. દ્વારા માનવતાનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે.

અત્રે નોંધનિય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત યોજના સામાન્ય લોકો માટે સંજીવની સમાન પુરવાર થઈ રહી છે. ત્યારે આપના ઘરનું વ્યક્તિ હોસ્પીટલમાં દાખલ હોય, અને કાર્ડ કઢાવવા દોડવું પડે તેની જગ્યાઓ આપણે સૌ પોતે જાગૃત બની પાણી પહેલા પાળ બાંધી આયુષ્યમાન ભારત યોજનાનો કાર્ડ વહેલી તકે કઢાવી લઇએ તે ઇચ્છનીય છે.
૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other