સ્ટેટ એજ્યુકેશનલ એચિવમેન્ટ સર્વે અંતર્ગત ઓલપાડ તાલુકાની શાળાઓમાં સિદ્ધિ માપન કસોટી યોજાઈ

કસોટીમાં 42 પ્રાથમિક શાળાઓનાં 1195 જ્યારે 26 માધ્યમિક શાળાઓનાં 758 વિદ્યાર્થીઓ સહભાગી થયા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શૈક્ષણિક સિદ્ધિ માપન અંગેનો એક શૈક્ષણિક સર્વે તેની નિયત તારીખ અને સમય અનુસાર આજરોજ યોજવામાં આવ્યો હતો. સદર સર્વે અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની 42 પ્રાથમિક શાળાઓ તથા 26 માધ્યમિક શાળાઓ મળી કુલ 68 શાળાઓમાં ધોરણ 3 નાં 597 વિદ્યાર્થીઓએ ભાષા, ગણિત, અને પર્યાવરણ વિષય આધારિત 60 મિનિટની, ધોરણ 6 નાં 598 વિદ્યાર્થીઓએ 75 મિનિટની જ્યારે ધોરણ 9 નાં 758 વિદ્યાર્થીઓએ 90 મિનિટની ભાષા, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સામાજિક વિજ્ઞાન વિષય આધારિત કસોટી શાંતિપૂર્ણ માહોલમાં આપી હતી.
આ વિશે વધુ માહિતી આપતાં ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર અને આ સર્વેક્ષણનાં તાલુકા લેવલનાં કંટ્રોલર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લેવલનો આ સર્વે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટેનો એક નમ્ર પ્રયાસ છે. આ શૈક્ષણિક સિદ્ધિ માપન સર્વેનાં આધારે ભવિષ્યની શિક્ષણની રણનીતિ નક્કી થશે. આ સર્વેક્ષણ માટે 68 ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર નિયુક્ત કરવામાં આવેલ હતાં. જેમણે આ સમગ્ર પ્રક્રિયા જે તે શાળાનાં આચાર્ય તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર સાથે યોગ્ય સંકલન સાધી સફળતાપૂર્વક પાર પાડી હતી. સમગ્ર શાળાઓ મળી કુલ 1953 વિદ્યાર્થીઓએ આ કસોટીમાં સહભાગી થયા હતાં.
સર્વેક્ષણનાં સુવ્યવસ્થિત આયોજન અને સંચાલન માટે કન્વીનર એવાં સાંધિયેર અને સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અનુક્રમે તેજસ નવસારીવાલા તથા રાકેશ મહેતાએ જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.