ડાંગ જિલ્લાનાં બારખાંદયા ગામ નજીક ધોળા દિવસે કદાવર દીપડો બહાર નીકળતા ભયનો માહોલ સર્જાયો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં બારખાંદયા ગામ નજીકનાં આંતરીક માર્ગમાં ધોળા દિવસે કદાવર દીપડો બહાર નીકળીને આંટા ફેરા મારતા ભયનો માહોલ સર્જાયો છે.
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ખુંખાર દીપડાઓની ચહલ પહલ વધી જવા પામી છે.સાથે માનવીઓ પર હુમલાનાં બનાવો વધી રહ્યા છે.થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બે જુદા જુદા સ્થળોએ દીપડાનાં હુમલાનાં બનાવો નોંધાયા હતા.જ્યારે પૂર્વપટ્ટી વિસ્તારમાં દીપડીનું બચ્ચુ મળી આવતા ગ્રામજનો દ્વારા પકડીને પરત જંગલમાં છોડી દીધુ હતુ.આજરોજ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં બારખાંદિયા ગામ નજીકનાં જંગલ વિસ્તારમાંથી શિકારની શોધમાં ભટકતો એક ખુંખાર દીપડો ધોળા દિવસે માર્ગ પર આવી લટાર મારતા અહીથી માર્ગમાંથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે. અહી દીપડો ધોળા દિવસે માર્ગમાંથી ખસવાનું નામ ન લેતા વાહનચાલકોની હાલત કફોડી બની હતી.બાદમાં પસાર થતા વાહનચાલકોએ આ દીપડો દેખાયો તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી જવા પામી હતી.જેથી ડાંગ દક્ષિણ વન વિભાગ દ્વારા બારખાંદિયા વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવે તે જરૂરી બની ગયુ છે..