પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક 319 નાં પ્રતિભાશાળી આચાર્ય પ્રકાશ પરમારનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો
પ્રકાશ પરમાર રચિત ‘પ્રજ્ઞા ગીત’ તથા ‘આંગળાનો જાદુ’ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં આજે પણ સતત ગુંજે છે
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિક્ષણની કેડી પર પગરણ માંડી આજપર્યંત સતત પ્રવૃત્તિમય અને જાતજાતની જવાબદારીઓનાં મેઘધનુષી રંગોથી સભર વ્યક્તિત્વ ધરાવતાં સુરત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાલ ગામ સ્થિત શ્રી ખુશાલદાસ વનમાળીભાઈ પાલવાળા પ્રાથમિક શાળા ક્રમાંક 319 માં આચાર્ય તરીકે ફરજ બજાવતાં પ્રકાશભાઈ પરમારનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનાં નિયામક વિનયગીરી ગોસાઈનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં શહેરનાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ઝેડ.આર.દેસાઈ, કોર્પોરેટર નિલેશભાઈ પટેલ, શિક્ષણ સમિતિ સુરતનાં નિવૃત્ત શાસનાધિકારી શંકરભાઈ પટેલ, સામાજિક કાર્યકર ઉત્તમભાઈ પરમાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલનાં સહ રાઈટર જીતુભાઈ પરમાર, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક થોભણ પરમાર, વેડછી નઈ તાલીમ સ્ટાફગણ, પાલ ગામનાં અગ્રગણ્ય નાગરિકો, શિક્ષકગણ, મિત્રમંડળ ઉપરાંત શુભેચ્છક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રારંભે સર્વધર્મ પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્ય બાદ શાળા પરિવારે ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતાં. આ ભાવભીનાં વિદાય પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રકાશભાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે તેમને પુષ્પગુચ્છ, સન્માનપત્ર તથા સ્મૃતિભેટ અર્પણ કરી નવાજવામાં આવ્યા હતાં. આ તબક્કે પ્રકાશભાઈ પોતાનો પ્રતિભાવ આપતા ભાવવિભોર બન્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે કવિ, લેખક, અભિનેતા, મૂલ્યાંકનકાર, પરામર્શક, ઉદ્દઘોષક, ભાષા તજજ્ઞ જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં પ્રકાશ પરમાર તાલુકા કક્ષાથી માંડી રાષ્ટ્રીય કક્ષાએ લેખન, અભિનય જેવાં વિવિધ ક્ષેત્રે એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલ છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં તેઓ પુસ્તક રચનામાં આગળ પડતુ સ્થાન ધરાવે છે. તેમનાં દ્વારા રચાયેલ પ્રજ્ઞા ગીત રાજ્યભરની શાળાઓમાં ગુંજે છે જે સમગ્ર સુરત શહેર સહિત સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે.
‘સુરત રત્ન’ એવોર્ડથી સન્માનિત એવાં પ્રકાશભાઈનાં વિદાય ટાણે ખાસ ઉપસ્થિત મહાનુભવોએ પોતપોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં પ્રકાશભાઇનાં બહુમુખી વ્યક્તિત્વ, શૈક્ષણિક તેમજ વહીવટી કુશળતા, બાળકેન્દ્રી શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ, પારિવારિક ભાવનાને બિરદાવી તેમનાં તંદુરસ્ત દીર્ઘાયુ જીવન માટે પ્રભુ પ્રાર્થના કરી હતી. આ તકે ગુજરાતી ફિલ્મ કલાકાર હિતેનકુમાર તથા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલનાં કલાકાર ભીંડે માસ્તરે પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
શાળા ક્રમાંક 319 માં આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળી પોતાની શાળાને સફળતાનાં નવા સોપાનો સર કરાવવાની સતત નોંધનીય કામગીરી કરનારા ઉપરાંત પોતાની આગવી સૂઝબૂઝ અને નવીનતમ પ્રયોગો થકી તેમજ પોતાનાં સહકર્મીઓ અને વાલીઓ સાથે યોગ્ય સંકલન સાધી શાળા અને બાળકોનાં હિતાર્થે સતત સક્રિય રહેતાં પ્રતિભાસંપન્ન પ્રકાશ પરમાર સાથે શાળાનાં અન્ય કર્તવ્યનિષ્ઠ અને સેવાભાવી શિક્ષિકા સરોજબેન મોઢ પણ સેવાનિવૃત્ત થતાં આ સંયુક્ત વિદાય સમારંભ પ્રસંગે સહકર્મી શિક્ષક ભાઈ-બહેનો, બાળકો સહિત મિત્રમંડળની આંખો ભીની થઈ હતી.