ડાંગ જિલ્લાનાં ગામડાઓમાંથી સુગર ફેક્ટરીઓમાં શેરડી કાપણી માટે મજૂરોને લઈ જતી વખતે થતા અકસ્માત માટે જવાબદાર કોણ ?
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં વાસુર્ણા માર્ગમાં થોડા દિવસ અગાઉ સુગર ફેકટરીમાં જઈ રહેલ મજૂરોથી ભરેલ ટ્રક પલ્ટી મારી જતા અક્સ્માત થયો હતો.જેમા ગરીબ મજૂરોને ઈજા પહોંચી હતી.ત્યારે ફરી એક વાર ડાંગ જિલ્લાનાં હનવતચોંડથી નડગખાદીને જોડતા આંતરીક માર્ગમાં સુગર ફેકટરીનાં મજુર ભરેલ ટ્રકને અક્સ્માત નડતા સુગર ફેકટરીઓનાં સંચાલકોની ઘોર બેદરકારી સામે આવવા પામી છે.ડાંગ જિલ્લાનાં ઘોડી ગામથી સુગર ફેક્ટરીમાં શેરડી કાપણી માટે મજૂરો ટ્રક.ન.જી.ટી.ટી.4052માં ભરી હનવતચોંડ થઈ નડગખાદી ગામ તરફ આવી રહ્યા હતા.ત્યારે ટ્રક ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ઘટના સ્થળે ટ્રક પલ્ટી મારી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આ અકસ્માતમાં લગભગ છ થી સાત મજુરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.બાદમાં એક કલાક પછી વઘઇથી આવેલ 108 વાનમાં ત્રણ જેટલા મજૂરોને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે કેટલાંક મજુરોએ ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સની રાહ જોવી પડી હતી.જે ઘટનાની જાણ ડાંગનાં નાયબ પોલીસ વડા એસ.જી.પાટીલને થતા તેઓએ તાત્કાલીક મજુરોને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા માટે સ્થાનિક પોલીસને સુચના આપી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે,થોડા દિવસ અગાઉ સોનગીરથી સુગર ફેકટરી માટે મજૂર ભરી,બીજા મજૂરોને લેવા જતા ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત નડ્યો હતો અને મજૂરોને ઇજાઓ પહોંચી હતી.ત્યારે ડાંગ જિલ્લામાં આ ટ્રક ચાલકો બેફામ બન્યા હોય તેવુ જોવા મળી રહ્યું છે.કારણ કે ટ્રક ચાલકો ઓવરલોડ બળતણ માટેનાં લાકડા ભરીને જાય છે.તેમજ લાકડા ભર્યા હોય તેમ છતાં પણ મજૂરોને ભરીને ટ્રક ચાલકો લઈ જાય છે.અને મજૂરોને ટ્રકની છત પર બેસાડીને લઈ જવામાં આવે છે.ત્યારે આ બેફામ બનેલા ટ્રક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવે તો આવનાર સમયમાં આ પ્રકારે કેટલા અકસ્માતો ને નોતરશે ? અને કેટલાના ભોગ લેશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે.ડાંગ જિલ્લામાંથી સુગર ફેકટરીઓમાં લઈ જવાઈ રહેલ મજૂરોનાં સુરક્ષા બાબતે સુગર ફેક્ટરીઓનાં સંચાલકો પણ માત્ર કમાણીની લ્હાયમાં ઘોર બેદરકારી દાખવી રહ્યા છે.ત્યારે આવનાર દિવસોમાં રાજય સરકાર ગરીબ મજૂરોના જીવની સુરક્ષાને લઈને સુગર ફેક્ટરીઓનાં સંચાલકો સામે લાલ આંખ કરે તે જરૂરી બની ગયુ છે.તેમજ સુગર ફેકટરીનાં મજૂરો માટે આવવા જવા માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવે અને તેમા સામાન માટે પણ અલગથી વાહન વ્યવહારની સુવિધા કરવામાં આવે તે જરૂરી બની ગયું છે..