રાજ્યમાં પ્રથમવાર તાપી જિલ્લાની પહેલ થકી સંગીત, કલા અને સાહિત્ય ક્ષેત્રે માર્ગદર્શન શિબિર યોજાયો
તાપી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીની સરાહનિય પહેલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮: તાપી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીની સરાહનિય પહેલના પ્રતાપે સમગ્ર રાજ્યમાં પ્રથમવાર કોઇ જિલ્લામાં સંગીત, કલા અને સાહિત્ય ક્ષેત્રે માર્ગદર્શન શિબિર યોજવામાં આવ્યો છે. તાપી જિલ્લો પોતાની અવનવી પ્રવૃતિઓ અને પહેલ માટે પ્રખ્યાત છે ત્યારે તાપી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના અધિકારી કર્મચારીઓની કર્મનિષ્ઠાના પરિણામે સમગ્ર રાજ્યમાં પ્રથમવાર તાપી જિલ્લાના કલાકારો માટે સંગીત, કલા અને સાહિત્ય ક્ષેત્રે નામના પ્રાપ્ત કરી ઉજ્જ્વળ કારકિર્દી બનાવી શકે તે માટે તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ શિબિરનું આયોજન વ્યારા સ્થિત શ્રીમતી કે કે કદમ કન્યા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સંગીત ક્ષેત્રે તજજ્ઞ શ્રીમતી ઉશાબેન ચૌધરી દ્વારા કલાકારો અને નાગરિકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગરબોએ કુદરતના ખોડે જન્મેલો છે તેનું જતન પણ કુદરતી રીતે જ થવું જોઇએ. તેમણે સમુહગીત અને લોકગીત સહિત પ્રાચિન અને અર્વાચિન ગરબા અંગે ઝીંણવટ ભરી માહીતી આપતા વધુમાં ઉમેર્યું કે, સુર અને તાલ એ ગરબાના પ્રાણ છે. ગરબામાં શબ્દોને અનુરૂપ વાદ્યો હોવા જોઇએ તથા કલાકારનું સ્મીત કોઇ પણ કૃતિની અભિવ્યક્તિમાં વધારો કરે છે. તેમણે ગરબાને સાત્વિક આનંદ મેળવવાનો રસ્તો ગણવ્યો હતો. અંતે તેમણે ગરબાને શક્તિ,ભક્તિ, અનુભુતિ, અભિનય અને તાળી ચપટીનો સંગમ છે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સંગીતક્ષેત્રે પીએચડી થયેલા ડૉ.હેમાંગ વ્યાસે ગરબા, લોકગીત, સમુહગીત, ભજન, સુગમ સંગીત, લગ્નગીત વગેરે અંગે અગત્યની બાબતો અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, કલાકારોના અવાજ પ્રમાણે ગીતની પસંદગી કરવી જોઇએ. જે સ્કેલમાં લગ્ન ગીતની શરૂઆત કરો તે જ સ્કેલ કોરસ એટલે કે ગીત ઝીલનારાના પણ હોવા જોઇએ તથા તે જ સ્કેલમાં ગીતની પૂર્ણાહુતિ થવી જોઇએ. તેમણે કલાકારોના સ્ટેજ ફીયરને ઘટાડવા શિક્ષકોને સમયાંતરે અલગ અલગ જગ્યાએ ઓડિયન્સને ધ્યાને રાખીને પર્ફોર્મન્સ કરાવવા અંગે અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યુ કે કોઇ પણ સ્પર્ધામાં જે પ્રોપ્સ લઇને સ્ટેજ ઉપર પ્રવેશ કરો તે પ્રોપ્સ કૃતિ પુરી થતા સાથે જ લઇ જવું જોઇએ. કૃતિ પુરી થતા કોઇ સંસાધનો સ્ટેજ ઉપર છોડેલા ન હોવા જોઇએ એમ ભાર મુક્યો હતો.
કાર્યક્રમમાં સંગીત ક્ષેત્રે તજજ્ઞ ધવલ સોલંકીએ કલાકારની સાચી ઓળખ તેને કલાથી છે એમ વર્ણવી તમામ કલાકારોને વંદન કર્યા હતા. તેમણે ગરબો કઇ રીતે ઉદ્ભવ્યો, દોઢિયા કેવી રીતે ઉદ્ભવ્યા, લોકગીત, સમુહગીત કોઇને કહેવાય તેના પ્રકાર કયા છે તે અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. અંતે તાપી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના અધિકારી કર્મચારીઓને આવી પહેલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યકક્ષા કલામહાકુંભ ૨૦૨૨-૨૩ ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર કાથુડ કૃષ્ણ અને ઓરગન સ્પર્ધામાં દ્વિતિય ક્રમે આવનાર બિન્યામીનભાઈ ગામીત કલાકારોએ તાપી જિલ્લાનું નામ રોશન કર્યું તે માટે તેઓને અતિથીઓના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં તાપી જિલ્લાના યુવક/યુવતીઓ, શાળાના શિક્ષકો, પ્રાધ્યાપકોએ બહોળી સંખ્યામાં ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા તાપી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના અધિકારી કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
નોંધનિય છે કે, રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સંસ્કૃતિ જળવાઈ રહે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકાર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવૃતિઓમાં તાપી જિલ્લાના કલાકારો ભાગ લેતા હોય છે. પરંતું ઘણી વખત યોગ્ય માર્ગદર્શનના અભાવે અવ્વલ ક્રમાંક મેળવવામાં પાછળ રહી જતા હોય છે. આ બાબતને ધ્યાને રાખી તાપી જિલ્લાના યુવક/યુવતીઓને સંગીત, કલા અને સાહિત્ય ક્ષેત્રે વિવિધ મુખ્ય કૃતિઓ જેવી કે ગરબા, રાસ, લોકનૃત્ય, સુગમ સંગીત, તબલા, હાર્મોનિયમ વગેરેમાં યોગ્ય અને વિસ્તારમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મળી રહે તેમજ આગામી તાલુકા, જિલ્લા, રાજ્યકક્ષાની ગુણવત્તાસભર અને તંદુરસ્ત સ્પર્ધાઓ યોજાય તે હેતુ થી સંગીત, કલા અને સાહિત્ય ક્ષેત્રે માર્ગદર્શન શિબિરનું આયોજન તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન ગામીત દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
૦૦૦૦૦