તાપી જિલ્લામાં મીશન મોડમા ચાલતું સ્વચ્છતા અભિયાન
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના તમામ બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન ઉપર સઘન સફાઇ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.15: ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૫ ઓક્ટોબર ને રવિવારના રોજ, રાજ્યભરના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં આવેલા ‘બસ સ્ટેન્ડ’ અને ‘રેલવે સ્ટેશન’માં વિશેષ ‘સફાઈ અભિયાન’ હાથ ધરવાના ભાગરૂપે, રાજ્યના છેવાડે આવેલા તાપી જિલ્લામાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો.
આ સફાઈ અભિયાનમાં સહભાગી થવા ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આહવાનને ઝીલી લેતા તાપી જિલ્લામાં તમામ બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેન્ડ ખાતે જાગૃત નાગરિકો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું. જેમા નાગરિકો પોતાના ગામોમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતાની કામગીરીમાં સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે. જેના થકી તાપી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન મીશન મોડમા ચાલી રહ્યું છે.
નોંધનિય છે કે, સમગ્ર રાજ્યમાં પ્રારંભ થતા “સ્વચ્છતા હી સેવા” અભિયાનને તાપી જિલ્લામાં સુચારૂ રીતે અમલ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી કર્મચારીઓ સહિત મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી,વિવિધ પદાધિકારીઓ અને ગામના આગેવાનો પણ સ્વયં વિવિધ સ્થળોએ પહોચી શ્રમદાનમાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે.
આજરોજ વ્યારા તાલુકાના ઘાટા, માયપુર, ખાનપુર, ઝાંખરી, પેરવડ, સરૈયા, મદાવ ગામ, વાલોડ તાલુકામાં કહેર, કમલકુઇ,દાદરીયા, વિરપોર, ડોલવણ તાલુકામાં બેસનિયા અને ડોલવણ, સોનગઢ તાલુકામાં બોરદા, મંગલદેવ, ચિમેર, વડપાડા પ્ર ટોકરવા ગામો, ઉચ્છલ તાલુકામાં મીરકોટ, ભડભૂંજા, ઉચ્છલ, વડપાડાનેસુ, મોહિની, પાટીબંધારા ગામો, નિઝર તાલુકામાં રૂમકીતલાવ, રાયગઢ, ભિલજાંબોલી, બોરદા, ફુલવાડી, આષ્ટા, રાજપુર જેવા વિવિધ ૩૭ ગ્રામપંચાયતના ગામોને આ કામગીરીમાં આવરી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પૂજય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતભરમાં ગત તા.૧૫મી સપ્ટેમ્બર થી તા.૨જી ઓક્ટોબર એટલે કે ‘ગાંધી જયંતિ’ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આ સ્વચ્છતા અભિયાન, તા.૧૫ સપ્ટેમ્બર થી તા.૧૫ ઓક્ટોબર-૨૦૨૩ સુધી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે.
ગાંધીજીની ‘સ્વચ્છ ભારત’ની સંકલ્પનાને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘ગાર્બેજ ફ્રી ઈન્ડીયા’નો મંત્ર આપ્યો છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને, આગામી વધુ બે મહિના સુધી, એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા તા.૧૬ ઓક્ટોબરથી ૨૧ ઑક્ટોબર દરમિયાન પણ સફાઈ ઝુંબેશ માટે આગોતરું આયોજન કરાયું છે. આ અઠવાડિયામાં રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્ત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્રોતો, અને સમુદ્ર કિનારાની સફાઇ હાથ ધરવામાં આવશે. જ્યારે ૨૨ ઑક્ટોબર અને રવિવારના રોજ રાજ્યના ધાર્મિક સ્થળો, મ્યુઝીયમ, અને પ્રવાસન સ્થળોની સાફ સફાઇ કરવામાં આવશે.
તાપી જિલ્લામાં આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા સૌને અનુરોધ કરાયો છે.
૦૦૦૦૦