વર્ષ દહાડે ૧૨૦ ટન જેટલું અળસીયાનું વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરીને વેચાણ કરતી ‘નવદુર્ગા મહિલા મંડળ’ની આદિવાસી બહેનો
૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન : અડાજણ ખાતે ચાલી રહેલા સરસ મેળામાં ઘરના ફુલ-છોડ માટે ઉપયોગી અળસીયાનું વર્મી કમ્પોસ્ટ ખાતર કિલોદીઠ માત્ર રૂા.૩૦ના ભાવે મળે છે
વર્ષે પાંચ થી છ લાખના વર્મી કમ્પોષ્ટ ખાતરના વેચાણથકી બે થી અઢી લાખની ચોખ્ખી આવક મેળવતી માંડવીની આદિવાસી બહેનો
રાજ્ય સરકારના પ્રોત્સાહનથકી દ્વારા મળતા ફંડના લીધે અમે વધુમાં વધુ બહેનોને આગળ લાવવા સક્ષમ બન્યા છે: આશાબેન ચૌધરી
(નિલય ચૌહાણ દ્વારા, દેગડિયા-માંગરોળ) : સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઘંટોલી ગામના નવદુર્ગા મહિલા મંડળ સ્વ-સહાય જુથની બહેનો વવ્ર્ષે રૂા.પાંચથી છ લાખ વર્મી કમ્પોષ્ટ ખાતરનું વેચાણ કરી ‘‘હમ કિસી સે કમ નહી’’ સૂત્રને સાર્થક કર્યું છે. એકતા કે જુથ આર્થિક ઉપાર્જન કે સામાજિક પરિવર્તન માટે શું ન કરી શકે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડયું છે.
સુરત ખાતે લાઈવલી હુડના નેજા હેઠળ અડાજણ ખાતે યોજાયેલા સરસમેળામાં જુથ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના મેળામાં માંડવી તાલુકાની ૧૪ જેટલી આદિવાસી બહેનો અળસીયા વર્મી કમ્પોષ્ટ ખાતરનું વેચાણ કરે છે.
સુરત શહેરના અડાજણ ખાતે ચાલી રહેલા રાષ્ટ્રીયકક્ષાના ‘સરસ મેળા’માં છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલાઓએ હસ્તકળા દ્વારા બનાવેલી અવનવી વસ્તુઓ જોવાનો તથા ખરીદવાનો લ્હાવો સુરતીઓ માણી રહ્યા છે.
સ્વ-સહાય જુથની બહેનોની સફળતાની સંઘર્ષગાથા ખુબ પ્રેરણાદાયી હોય છે. આવી જ સફળતાની ગાથા છે સૂરત જિલ્લાના માંડવી તાલુકાના છેવાડે આવેલા ઘંટોલી ગામની આદિવાસી બહેનોની. ૪૫ વર્ષીય આશાબેન ચૌધરી અળસીયાનું વર્મી કમ્પોસ્ટ ખાતરનું વેચાણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, અમારા ગામની ૧૪ બહેનો સાથે મળીને નવદુર્ગા સખીમંડળ બનાવ્યું છે. જેના દ્વારા અમો ઘર બેઠા અળસીયામાંથી ખાતર બનાવીને વેચાણ કરીએ છીએ.
મહિલામંડળના સભ્ય આશાબેન ચૌધરીએ જણાવે છે કે, ૨૦૧૨ના શરૂઆતમાં અમારી સખીમંડળની બહેનો માત્ર બચત અને ધિરાણ કરતી હતી. પરંતુ ગામડાની બહેનોને ખેતી સાથે પુરક રોજગારી સાથે આવક પુરી પાડવાના આશયથી વર્મી કમ્પોષ્ટ ખાતર બનાવવાની શરૂઆત ૨૦૧૪માં કરી હતી. ગામડામાં ખેતી આવકનો મૂળભૂત આધાર હોવાથી કુદરતી ખાતરનું વેચાણ કરવું એ સરળ માર્ગ હતો. જેમાં પર્યાવરણને પણ નુકસાન પહોચતુ નથી. આજે વર્ષ દહાડે ૧૨૦ ટન જેટલું અળસીયાનું વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરીએ છીએ. પાંચથી છ લાખ જેટલું ખાતરનું વેચાણ કરીને બે થી અઢી લાખ જેટલી આવક મળતી હોવાનું તેમણે કહ્યું હતું. સારી આવકની સાથે અમારા જીવન ધોરણમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા યોજવામાં આવતા વિવિધ મેળાઓ થકી અમોને ધણુ પ્રોત્સાહન મળ્યું છે. સરસમેળામાં અમોને વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે જયાં એક કિલોના રૂા.૩૦ના ભાવે વેચાણ કરીએ છીએ.
આશાબેન જણાવે છે કે, વર્મી કમ્પોષ્ટ ખેતી સાથે પુરક છે. સમયનો પણ વ્યય થતો નથી. ઘરે જે વર્મી કમ્પોષ્ટ સરળ રીતે બનાવી શકાય છે. પરિવાર સાથે રહીને સારી પ્રવૃત્તિ કરી બહેનો આર્થિક ઉપાર્જન મેળવે છે.
લાઈવલી હુંડના મેનેજર સંતોષ દિનાકરનના જણાવ્યા અનુસાર સરસ મેળાનો મુખ્ય હેતુ આવા સ્વ સહાય જુથોને પ્રોત્સાહિત કરવાની સાથે બજાર ઉભુ કરવાનો છે. જેના દ્વારા તેઓ પુરક આવક મેળવીને આર્થિક પગભર બનાવવાનો છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો બહેનો કારર્કિદી ઉપરાંત આર્થિક રીતે પગભર બની, રાજયના વિકાસમાં ભાગીદાર થાય તેવો અભિગમ આવા મેળાઓ દ્વારા સાર્થક થઈ રહ્યો છે.