ડાંગ જિલ્લાના ૪૪ હજાર ૭૨૪ બાળકોને પણ મળી રહ્યો છે ‘દૂધ સંજીવની યોજના’ નો લાભ

Contact News Publisher

પોષણ માહ-૨૦૨૩, જિલ્લો ડાંગ

આદિજાતિના બાળકોને પોષણ મળી રહે તે હેતુથી છેલ્લા ૫ વર્ષમાં ૧૪ જિલ્લામાં ધોરણ-૧ થી ૮માં અભ્યાસ કરતાં ૪૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને ‘દૂધ સંજીવની’ યોજના હેઠળ ફ્લેવર્ડ દૂધ અપાયું


● સિદ્ધિઓ ●

તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૭માં બે તાલુકાથી શરૂ કરાવેલી આ યોજનામાં, હવે આદિજાતિના ૧૪ જિલ્લાના કુલ-૫૨ તાલુકાને આવરી લેવાયા

બાળકોના શારીરિક-માનસિક પોષણ માટે સપ્તાહના ૫ દિવસ દૈનિક ૨૦૦ ગ્રામ મુજબ વાર્ષિક ૨૦૦ દિવસ ફ્લેવર્ડ દૂધ ઉપલબ્ધ કરાવાયું

ચાલુ વર્ષના બજેટમાં ૮ લાખ બાળકોને યોજનાનો લાભ પહોંચાડવા રૂ.૧૪૪ કરોડની માતબર રકમની જોગવાઈ

યોજનાના પરિણામ સ્વરૂપે બાળકોમાં ડ્રોપ આઉટ-અધવચ્ચેથી શાળા છોડી જવાના કેસમાં ઘટાડો, જ્યારે નિયમિત હાજરી, સ્વાસ્થ્ય અને ખાસ કરીને આંખોના તેજ-દ્રષ્ટિમાં વધારો

વર્ષ ૨૦૨૨-૨૩માં યોજનાનો લાભ લેવામાં સમગ્ર રાજ્યમાં દાહોદ જિલ્લો ૧.૮૪ લાખથી વધુ બાળકો સાથે પ્રથમ રહ્યો

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૩૦:ગુજરાત સહિત ભારતભરમાં સપ્ટેબર માસને ‘પોષણ માસ’ તરીકે વિવિધ રીતે ઉજવવામાં આવે છે. ત્યારે આદિજાતિ વિસ્તારના બાળકોના પોષણ માટે, ગુજરાત સરકારની ‘દૂધ સંજીવની યોજના’ સાચા અર્થમાં ‘સંજીવની’ સાબિત થઇ છે.

‘સ્વસ્થ્ય મન માટે સ્વસ્થ શરીર જરૂરી છે’ આ મંત્રને સાકાર કરવાના ઉમદા હેતુથી આદિજાતિ વિસ્તારો તેમજ વિકાસશીલ તાલુકાઓમાં, પ્રાથમિક શાળાના ભૂલકા-બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા સ્વાદિષ્ટ ફ્લેવર્ડ દૂધ આપતી ‘દૂધ સંજીવની યોજના’ અમલી બનાવાઈ છે. ગુજરાતમાં આદિજાતિના ૧૪ જિલ્લાઓના ધોરણ-૧ થી ૮માં અભ્યાસ કરતા બાળકોને વર્ષ ૨૦૧૭-૧૮થી સને ૨૦૨૨-૨૩ દરમ્યાન કુલ ૪૫,૫૨,૪૮૬ લાભાર્થી બાળકોને વધુને વધુ પોષણયુક્ત બનાવવા દૂધ સંજીવની યોજના હેઠળ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવ્યું છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, આદિજાતિ વિસ્તારના ધોરણ-૧ થી ૮ના બાળકોને નાની વયે જ પોષણક્ષમ આહાર આપવાના ઉદ્દેશ્ય સાથે આ યોજનાનો, તા. ૯ ફેબ્રુઆરી ૨૦૦૭ના રોજ ગુજરાતમાં સૌ પ્રથમ દાંતા અને અમીરગઢ તાલુકાથી શુભારંભ કરવામાં આવ્યો હતો. માત્ર બે તાલુકાથી શરૂ થયેલી આ યોજનામાં, હવે અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાના કુલ-૫૨ તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગત વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના હેઠળ રૂ. ૪,૧૨૪ લાખના ખર્ચે આદિજાતિ વિસ્તારના ધોરણ-૧ થી ૮માં અભ્યાસ કરતા ૮,૭૨૪ શાળાઓના કુલ ૭.૬૪ લાખથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૨-૨૩ સુધીમાં વર્ષ ૨૦૨૧-૨૨ને બાદ કરતા કુલ રૂા.૪૫,૫૪૧ લાખથી વધુના ખર્ચે કુલ ૪૫,૫૨,૪૮૬ આદિજાતિ બાળકોને આવરી લેવાયા છે.

યોજનાની સફળતાને કેન્દ્ર સ્થાને રાખીને બાળકોના હિતમાં ‘દૂધ સંજીવની યોજના’ માટે ચાલુ વર્ષના બજેટમાં ગુજરાત સરકારે કુલ-૫૨ આદિજાતિ તાલુકાના અંદાજે કુલ ૮ લાખ બાળકોને શારીરિક અને માનસિક પોષણ મળી રહે તે માટે રૂ. ૧૪૪ કરોડથી વધુ રકમની માતબર જોગવાઈ પણ કરી છે.

‘દૂધ સંજીવની યોજના’ હેઠળ આદિવાસી તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં વધુને વધુ સુધારો કરવા વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ તેમજ ક્ષાર જેવા તત્વોની ઉણપ હોય તો તે દૂર કરીને, આરોગ્યમાં સુધારો લાવવા વિદ્યાર્થીઓને બાળકદીઠ અઠવાડિયાના પાંચ દિવસ, વર્ષના ૧૦ માસ એટલે કે વાર્ષિક ૨૦૦ દિવસ ફ્લેવર્ડવાળું ૨૦૦ ગ્રામ ચોખ્ખું દૂધ આપવામાં આવે છે. આ ૩ ટકા ફેટવાળા દૂધમાં નિયમિત ૨૪ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૭ ગ્રામ પ્રોટીન, ૫૦૦ IU વિટામીન-એ અને ૪૦ IU વિટામીન-ડી ઉમેરીને ગુણવતાયુક્ત દૂધ બાળકોને આપવામાં આવે છે.

ગુજરાતમાં ‘દૂધ સંજીવની યોજના’ના અમલથી આ વિસ્તારના આદિજાતિ બાળકોના સ્વાસ્થ્ય ઉપર કેવા પ્રકારની હકારાત્મક અસરો-ફાયદા થયા છે, તેનો વર્ષ ૨૦૧૯માં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિગતવાર અભ્યાસ કરાયો હતો. અભ્યાસના તારણમાં આ વિસ્તારની શાળાઓમાં બાળકોના ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો, અધવચ્ચેથી શાળાઓ છોડી જતા બાળકોના પ્રમાણમાં ઘટાડો, બાળકોની હાજરીની નિયમિતતામાં વધારો, બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો તેમજ ખાસ કરીને આંખોમાં તેજ અને દ્રષ્ટિમાં વધારો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આદિજાતિ વિકાસ ઉપરાંત મહિલા-બાળ વિકાસ તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી, વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના હેઠળ સૌથી વધુ બાળકોને લાભ આપવામાં પ્રથમ પાંચ જિલ્લાઓમાં સૌથી વધુ ૧.૮૪ લાખ બાળકો સાથે સમગ્ર રાજ્યમાં દાહોદ પ્રથમ ક્રમે છે. જ્યારે ૮૧,૮૧૧ બાળકો સાથે વલસાડ બીજા, ૬૪,૯૫૫ સાથે સુરત ત્રીજા, ૬૧,૭૦૦ સાથે સાબરકાંઠા ચોથા, અને ૫૬,૩૨૮ બાળકો સાથે તાપી જિલ્લો પાંચમા ક્રમે છે. આમ, વર્ષ ૨૦૨૨-૨૩માં ‘દૂધ સંજીવની યોજના’ હેઠળ ૧૪ જિલ્લાના કુલ-૫૨ તાલુકાઓમાં કુલ ૭,૬૪,૬૪૩ આદિજાતિ બાળકોને ફ્લેવર્ડ દૂધ આપીને, વધુ સશક્ત-પોષણક્ષમ બનાવવાનું સફળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારની દૂધ સંજીવની, મધ્યાહન ભોજન, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, સ્વચ્છતા સહાય, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા સંકલિત શૈક્ષણિક અભિયાન દ્વારા ગુજરાતના સાક્ષરતા દરમાં વધારાની સાથે, કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ૩૩.૧૭ ટકાથી ઘટાડીને ૩.૦૧ ટકા જેટલો નીચો લાવી શક્યા છીએ.

રાજ્યના બાળકોની સાથે બહુલ આદિજાતિની વસ્તિ ધરાવતા ડાંગ જિલ્લાના ૪૪ હજાર ૭૨૪ બાળકોને પણ ‘દૂધ સંજીવની યોજના’ નો લાભ મળી રહ્યો છે.

ડાંગ જિલ્લામાં નાણાંકીય વર્ષ ૨૦૧૪/૧૫ માં જિલ્લાના ૩ (ત્રણ) નવરચતિ તાલુકાઓ (૧) આહવા, (૨) વઘઈ, અને (૩) સુબિરની પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળાઓ, અને EMRS સ્કુલના વિદ્યાર્થીઓ માટે ‘દૂધ સંજીવની યોજના’નો ગત તા.૨/૮/૨૦૧૪થી શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના ૩ તાલુકાઓ પૈકી આહવા તાલુકાની ૧૫૪ પ્રાથમિક શાળાઓ, વઘઇ તાલુકાની ૧૧૨, અને સુબીર તાલુકાની ૧૧૨ પ્રાથમિક શાળાઓ મળી કુલ ૩૭૮ પ્રાથમિક શાળાઓના ધોરણ-૧ થી ૮ના વિદ્યાર્થીઓ, અને કુલ ૧૨ જેટલી આશ્રમ શાળાઓ તથા કુલ ૮ EMRS સ્કુલના વિદ્યાર્થીઓ મળી કુલ સરેરાશ ૪૮ હજાર ૧૯૪ વિદ્યાર્થીઓને આવરી લઈ, અઠવાડિયાના પાંચ દિવસ, દરરોજ (ઇલાઇચી, સ્ટ્રોબરી, ચોકલેટ, અને રોઝ ફ્લેવર્ડ) ૨૦૦ ML દૂધ પુરું પાડવામાં આવી રહ્યું છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૭/૨૦૧૮ થી ૨૦૨૨/૨૩ સુધી ‘દૂધ સંજીવની યોજના’ હેઠળ કુલ રૂ. ૪૦૧૨.૭૬ લાખનો ખર્ચ થવા પામ્યો છે.

ચાલું નાણાંકીય વર્ષ ૨૦૨૩/૨૦૨૪ માં કુલ રૂ. ૯૭૮.૦૭ લાખની જોગવાઈ સામે, અત્યાર સુધી રૂ. ૧૨૬.૩૭ લાખની પ્રાપ્ત ગ્રાન્ટ સામે રૂ. ૧૦૧.૯૩ લાખનો ખર્ચ થયો છે. ડાંગ જિલ્લામાં હાલમાં ‘દૂધ સંજીવની યોજના’નો કુલ ૪૪ હજાર ૭૨૪ વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે.
અહેવાલ : મનોજ ખેંગાર

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *